Bhabhar Chaudhary Samaj Mahasammelan Violence: બનાસકાંઠા જિલ્લાના ભાભરના રુણી ગામે આજે ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા મુદ્દે યોજાયેલું મહાસંમેલન હિંસક વળાંક લેતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ છે. ઉશ્કેરાયેલા ટોળાએ ઉણ ગામમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારો કરતા સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી, જેના પગલે પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

Bhabhar: શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની કડી રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના કિસ્સા સાથે જોડાયેલી છે. કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાદ બંને સમાજના આગેવાનોની મધ્યસ્થીથી કિંજલને પરત લાવવામાં આવી હતી.
હવે, આ જ તર્જ પર ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીને પરત લાવવાની માંગ ઉઠી છે. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ પહેલા ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક બાળક પણ છે. ચૌધરી સમાજ હવે આ દીકરીને પરત લાવવા માટે મક્કમ બન્યો છે.

સંમેલન બાદ ટોળું ઉણ ગામમાં ત્રાટક્યું
ભાભરના રુણી ગામે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા. સંમેલન પૂર્ણ થયા બાદ આશરે ૩૦% લોકોનું ટોળું સીધું જ ઉણ ગામ પહોંચી ગયું હતું. PI કે.બી. દેસાઈના જણાવ્યા અનુસાર, ગામમાં છોકરો કે છોકરી હાજર નહોતા, માત્ર છોકરાની અપંગ માતા હાજર હતી. આ દરમિયાન ટોળાએ ‘દીકરી પાછી આપો’ના નારા લગાવી હોબાળો કર્યો હતો.

હિંસક અથડામણ અને હાઈવે બ્લોક
ઉણ ગામમાં ચૌધરી અને રબારી સમાજ સામસામે આવી જતા જોરદાર પથ્થરમારો થયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ માર્ગ પર ઉભેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા અને અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા ટોળાએ પોલીસને પણ નિશાન બનાવી હતી, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડી સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં ડી.વાય.એસ.પી. સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઉણ ગામમાં તૈનાત છે અને સ્થિતિ અત્યારે નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં તણાવભર્યો માહોલ છે.
આ પણ વાંચો: કિંજલ રબારીના લગ્ન વિવાદનો નવો વળાંક! સમાજના આગેવાનોની બેઠક બાદ ગાયિકા ઘરે પરત ફરી
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી આંતરજ્ઞાતિય લગ્નને લઈને ચર્ચા: લોકગાયિકા કિંજલ રબારીએ કર્યા પ્રેમ લગ્ન, પોલીસ સુરક્ષા માગી
આ પણ વાંચો: કિંજલ કેસ બાદ ચૌધરી સમાજની દીકરી પરત આપવા માંગ
