Gandhinagar News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધામાટે વેગ પકડ્યો છે. આના જ સંદર્ભમાં પહેલી એપ્રિલના રોજ મતદાર યાદી જાહેર કરવામાં આવનાર છે. રાજયમાં કુલ 15 મનપા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતોની ચૂંટણી છે. તેની સાથે 260 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ યોજવામાં આવશે. આ ઉપરાંત નગરપાલિકાની વિવિધ ખાલી પડેલી બેઠકોની ચૂંટણી પણ યોજવામાં આવશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે તેમ છે. આ ચૂંટણી એપ્રિલમાં ગમે ત્યારે યોજાય તેમ માનવામાં આવે છે. હાલમાં ચૂંટણીના મેદાનમાં ઉતરેલા દરેક રાજકીય પક્ષોમાં રાજકીય પ્રવૃત્તિ તેજ થઈ ગઈ છે. આ વધેલી પ્રવૃત્તિ તેનો પુરાવો છે કે ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. શાસક પક્ષ ભાજપે તેના સંગઠનને ચૂંટણીના ધમધમાટ માટે સજાવવા માંડ્યુ છે. પક્ષના આગેવાનોથી માંડીને કાર્યકરોને સક્રિય થવા જણાવી દેવાયું છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી માર્ચે આવવાના હોઈ પક્ષના કાર્યકરોમાં પણ ચેતનાનો સંચાર થયો છે. તાજેતરમાં જ ભાજપે વિકાસની સરવાણી વહાવડાવી તેના પગલે જ માનવામાં આવતું હતું કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે મોટાપાયા પરના વિકાસ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા. આમાના અમુક કાર્યક્રમો તો પીએમ મોદીના હાથે ખુલ્લા મૂકાવવાના છે.
શાસક પક્ષ બધુ મળીને 20 હજારથી પણ વધુ રકમના વિકાસ કાર્યક્રમોની સરવાણી વહાવશે તેમ મનાય છે. તેની સામે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખેડૂતોથી લઈને સરકારી સગવડોના મોરચે સરકારની નિષ્ફળતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નપા અને મનપાના ભ્રષ્ટાચારનો પણ મોટો મુદ્દો બનાવે તેમ માનવામાં આવે છે.
