Ahmedabad News/ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં શરૂ થઈ સેન્સ મેળવવાની પ્રક્રિયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં પણ ભાજપમાં સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા બે દિવસ ચાલશે તેમ માનવામાં આવે છે. તેના પછી ઉમેદવારોની પસંદગી શરૂ થશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. તેના પગલે દરેક રાજકીય પક્ષે તેના ઉમેદવારોને પસંદ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. શાસક પક્ષ ભાજપે પણ તેની દરેક દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા જિલ્લા પંચાયતોમાં સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે અમદાવાદના 24 વોર્ડમાં પણ ભાજપે સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા અમદાવાદના 24 વોર્ડમાં સેન્સ મેળવવા માટેની પ્રક્રિયા ભાજપે શરૂ કરી દીધી છે. આ માટે ભાજપે 12 નિરીક્ષકો પણ નીમ્યા છે. ભાજપના 12 નિરીક્ષક રાજકોટ ઇસ્ટના ધારાસભ્ય ઉદય કાનગડ, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, રાજકોટના ભૂતપૂર્વ મેયર બીનાબેન આચાર્ય, રાજકોટના ભૂતપૂર્વ મેયર પ્રદીવ ડવ, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, પૂર્વ પ્રદેશમંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ભાજપ સહકારી સેલના સંયોજક મહેન્દ્રભાઈ પનોત છે.

અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બંને વિસ્તારોમાં દાવેદારી કરવા માંગતા તમામ કાર્યકરોને સાંભળવામાં આવશે. બીજી એપ્રિલના રોજ દરિયાપુર, નરોડા, ચાંદખેડા, જોધપુર, હાટકેશ્વર, વેજલપુર, મક્તમપુરા, સરખેજ, ચાંદલોડીયા, સાબરમતી, રાણીપ, અસારવા, શાહીબાગ, નવરંગપુરા, વાસણા, પાલડી, દાણીલીમડા, વિરાટનગર, ઓઢવ, નિકોલ, સરદારનગર, કુબેરનગર, ઇન્દ્રપુરી-અમરાઇવાડી એમ 24 વોર્ડમાં દાવેદારી નોંધાવવા માંગતા કાર્યકરોની સેન્સ લેવામાં આવશે.

અમદાવાદમાં સેન્સ લેવાની આ પ્રક્રિયામાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો, ઉપપ્રમુખો તેમજ પૂર્વ હોદ્દેદારો પણ દાવેદારી નોંધાવશે. સેન્સ પ્રક્રિયા બે દિવસ સુધી ચાલવાની છે. તેથી બંને માટે રાખવામાં આવેલા સાત સ્થળો પર કાર્યકરોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

આ પણ વાંચો: ભરૂચમાં શાસક પક્ષની વિપક્ષના કાંગરા ખેરવવા કવાયત, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા