Rajkot Metoda GIDC Fire: સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેટોડા GIDC ગેઈટ નંબર-1 પાસે આવેલા એક રબરના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રબરનો જથ્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આકાશમાં ધુમાડાના કાળા વાદળો અને ફફડાટ
આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા 1 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. આસપાસના કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી મેટોડા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

Metoda : ફાયર બ્રિગેડનું મેજર ઓપરેશન
મેટોડા ફાયર ટીમની સાથે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફાયર વિભાગની વધારાની 4 ટીમો પણ મદદ માટે બોલાવવામાં આવી છે. અત્યારે કુલ 5 ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે, જોકે ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.
મોટું આર્થિક નુકસાન
રાહતની વાત એ છે કે જે સમયે આગ લાગી ત્યારે ગોડાઉનમાં હાજર તમામ શ્રમિકો સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી ગયા હતા, જેના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ગોડાઉનમાં રહેલો રબરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
