Gandhinagar News: સુરત જિલ્લા (Surat)માં પેટ્રોલ-ડીઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ બને અને વિતરણ વ્યવસ્થા અબાધિત અને સુગમ બને એ માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC)ના એમ.ડી. અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે.

તેમણે જણાવ્યું કે, મિડલ ઇસ્ટમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ પરસ્પર સંકલન સાથે ટીમવર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યા છે, જેના કારણે સુરત જિલ્લામાં ગેસ અને આવશ્યક ચીજોનું વિતરણ સરળતાથી થઇ રહ્યું છે એ બદલ તેમણે ટીમવર્કની સરાહના કરી હતી.

તા. 30 જૂન સુધીમાં નવા ડોમેસ્ટીક PNG કનેક્શન લેનાર ગ્રાહકને રૂ. 500 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે: GSPCના એમ.ડી.
અવંતિકાસિંઘે કહ્યું કે, સુરત શહેરમાં 15.20 લાખ ડોમેસ્ટીક PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન છે. જેઓને નિયમિત ગેસ પુરવઠો મેળવવામાં કોઇ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે સરકાર સતત સંકલનમાં છે. ઉપરાંત, જ્યાં ગેસલાઈન ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં તા. 30 જૂન સુધીમાં નવા ડોમેસ્ટીક PNG કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકને રૂ. 500 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ બિલમાં રૂ. 500 ની ક્રેડિટ મળશે.

રાજ્યમાં પી.એન.જી. કનેક્શનને અગ્રતા આપવા કેન્દ્ર સરકારે માર્ગદર્શિકાઓ આપેલી છે, જેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પી.એન.જી. કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથો સાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવામાં આવી રહી છે. સુરત શહેર જિલ્લામાં શાળા-કોલેજો, હોસ્પિટલો, વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, ડેરી ઉદ્યોગ, રેલ્વે કેન્ટીન, હોટલ રેસ્ટોરન્ટસ, ધાર્મિક સંસ્થાઓ, ઈન્ડસ્ટ્રીયલ- કોર્પોરેટ કેન્ટીનો વગેરેમાં કોમર્શિયલ PNGની કુલ 1805 અરજીઓ, 39 હોસ્પિટલો, 16 રેલ્વે કેન્ટીનોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી વિવિધ ઔદ્યોગિક એકમોના વપરાશ તથા તેમાં આવેલ કેન્ટીન/મેસમાં કંપની કામદારો માટે ભોજન બનાવવા તેઓની જરૂરિયાત મુજબ ગેસ સિલીન્ડર આપવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ કે સામાજિક-ધાર્મિક કોમ્યુનિટી કિચન, સમરસ હોસ્ટેલ, હોસ્પિટલોમાં PNG કનેક્શનોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

ગેસ સિલિન્ડર સપ્લાય કરતી HPCL, BPCL અને IOCL ના તમામ ડીલરો દ્વારા પ કિલો અને 3 કિલોના ગેસ સિલિન્ડરોનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે તેમજ પીએનજી પાઇપલાઇન કનેકશન માટેની નવી પ્રક્રિયાને સરળ બનાવી 45 દિવસના સમયગાળાને ઘટાડીને માત્ર 7 દિવસ કરવામાં આવી હોવાની વિગતો જિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહે આપી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર એમ.નાગરાજન, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, મ્યુ.ડે.કમિશનર દિનેશ ગુરવ, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, જિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહ, ઓઈલ અને ગેસ વિતરક કંપનીઓના પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: PNG ગેસ અને પેટ્રોલિયમ અંગે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક
આ પણ વાંચો: યુદ્ધથી ક્રૂડ મોંઘું: પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધી શકે
આ પણ વાંચો: રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ…
