Rajkot Jeweller Robbed: બિહારમાં ગુજરાતી વેપારીઓ સલામત નથી. રાજકોટના જાણીતા સોનાના વેપારીની પેઢી સાથે બિહારના દાનાપુરમાં રૂપિયા 25 કરોડની કિંમતનું 17 કિલો સોનું લૂંટાઈ જવાની એક અત્યંત સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. ગુનેગારોએ કસ્ટમ અધિકારીઓ (Customs Officers) નો સ્વાંગ રચીને એકદમ ફિલ્મી ઢબે રસ્તા વચ્ચે આ લૂંટને અંજામ આપ્યો છે. આ ઘટના બાદ રાજકોટના સુવર્ણ બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Rajkot થી ગયેલા યુવાનો પર બિહારમાં લૂંટ
પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાતના રાજકોટના રહેવાસી મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપારીયા તેમના સ્ટાફ સાથે અમદાવાદથી ‘સહરસા એક્સપ્રેસ’ ટ્રેનમાં બેસીને બિહારના દાનાપુર જંકશન પહોંચ્યા હતા. તેઓ ત્યાંથી બાકરગંજ સ્થિત ‘કેવીએસ એન્ડ સન્સ’ (KVS & Sons) ની બ્રાન્ચમાં જઈ રહ્યા હતા. દાનાપુર જંકશન પર ઉતરીને તેમણે ત્યાં જવા માટે એક ઓટો-રિક્ષા ભાડે કરી હતી.
ઓવરબ્રિજ પાસે ઘેરીને ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ
આ યુવાનોની અગાઉથી જ રેકી થઈ રહી હતી. રિક્ષા થોડે દૂર એક ઓવરબ્રિજ પાસે પહોંચી, ત્યારે જ પાછળથી એક કાર અને મોટરસાયકલ પર આવેલા ગુનેગારોએ રિક્ષાને આંતરીને તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા.

કસ્ટમ ઓફિસરનો બનાવટી રોફ
લૂંટારાઓ સંપૂર્ણ પ્લાનિંગ સાથે આવ્યા હતા. સાતેય ગુનેગારોએ ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યા હતા, જેથી તેઓ સરકારી અધિકારીઓ લાગે. તેમણે રિક્ષા રોકાવીને ગુજરાતી યુવાનોને પોતાની ઓળખ ‘કસ્ટમ અધિકારીઓ’ તરીકે આપી હતી. ડીઆરઆઈ (DRI) અને કસ્ટમની તપાસના બહાને તેમણે યુવાનોને ડરાવીને તેમની પાસેથી 17 કિલો સોનાથી ભરેલી ત્રણ બેગ કબજે કરી લીધી હતી. કરોડો રૂપિયાનું સોનું હાથમાં આવતા જ તમામ ગુનેગારો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા.
સીસીટીવીના આધારે પોલીસ તપાસ તેજ
લૂંટારાઓના ગયા બાદ છેતરાયાનો અહેસાસ થતા સ્ટાફના સભ્યોએ તાત્કાલિક રાજકોટ સ્થિત તેમના માલિકને જાણ કરી હતી અને ત્યારબાદ તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ સુધી ઔપચારિક FIR નોંધવામાં આવી નથી, પરંતુ લૂંટની ગંભીરતાને જોતા હાલમાં સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ દાનાપુર જંકશન અને ઓવરબ્રિજ આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ ખંગાળી રહી છે, જેથી નકલી કસ્ટમ અધિકારીઓ કયા રૂટ પરથી ભાગ્યા છે તેનો તાગ મેળવી શકાય. સ્થાનિક પોલીસ અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ હાઈપ્રોફાઈલ કેસ ટૂંક સમયમાં ઉકેલી લેવામાં આવશે.
