Ahmedabad AMTS Bus Accident CCTV: અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગને કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાંથી એક એવો જ રૂંવાડા ઊભા કરી દેતો લાઈવ અકસ્માત સામે આવ્યો છે, જેમાં ટ્રાફિકના નિયમનો ભંગ બે યુવતીઓ માટે જીવલેણ સાબિત થઈ શક્યો હોત. રોંગ સાઈડમાં જઈ રહેલી એક એક્ટિવા સવાર બે યુવતીઓને પૂરઝડપે આવતી AMTS બસે જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે બંને યુવતીઓનો આબાદ બચાવ થયો છે અને આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
મોતને સામે જોઈને યુવતીની ચીસ નીકળી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ગઈકાલે (8 એપ્રિલ) સાંજના સમયે શાહઆલમ ટોલનાકા પાસે બની હતી. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાર રસ્તા પરથી બે યુવતીઓ એક્ટિવા લઈને રોંગ સાઈડમાં જઈ રહી હતી. બરાબર તે જ સમયે સામેથી એક એએમટીએસ (AMTS) બસ પૂરઝડપે આવી રહી હતી. સામેથી આવતી આ કાળમુખી બસને જોઈને એક્ટિવા ચલાવી રહેલી યુવતી ગભરાઈ ગઈ હતી અને તેના મોઢામાંથી ભયના માર્યે મોટી ચીસ નીકળી ગઈ હતી.

Ahmedabad : એક્ટિવા ટાયર નીચે ફસાયું
બસની સ્પીડ વધારે હોવાના કારણે ડ્રાઈવર બ્રેક મારે તે પહેલાં જ બસ અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે એક્ટિવા બસના આગળના ભાગે ટકરાઈને સીધું જ ટાયર નીચે ફસાઈ ગયું હતું. આ દરમિયાન બંને યુવતીઓ જમીન પર પટકાઈ હતી અને બસનું તોતિંગ ટાયર તેમના પર ફરતા-ફરતા સહેજમાં જ રહી ગયું હતું. જો બસની બ્રેક એક સેકન્ડ પણ મોડી વાગી હોત તો બંને યુવતીઓ ટાયર નીચે કચડાઈ ગઈ હોત.
ધડાકાભેર અવાજ સાંભળીને લોકો દોડી આવ્યા
અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના લોકો અવાજ સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તરત જ માનવતા દાખવીને બસ નીચે ફસાયેલી યુવતીઓને ખેંચીને બહાર કાઢી હતી. રોંગ સાઈડમાં વાહન ચલાવવાની એક નાનકડી ભૂલ આ બે યુવતીઓનો જીવ લઈ શકતી હતી. આ સીસીટીવી ફૂટેજ અમદાવાદના વાહનચાલકો માટે એક મોટી ચેતવણી સમાન છે.
આ પણ વાંચો:ખેડા-અમદાવાદ હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત
આ પણ વાંચો:અમદાવાદ સીટીએમ નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત, મોપેડ ચાલક 60 ફૂટ ઢસડાયો
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત: ટ્રકે બાઈકને કચડતાં 2ના મોત
