Palanpur News/ બનાસકાંઠામાં ધણીયાણા દૂધ મંડળીમાં ચેરમેને મંત્રીને લાફા ઝીંક્યા, દ્રશ્યો CCTVમાં કેદ

Palanpurની ધણીયાણા દૂધ મંડળીમાં ચેરમેન અને મંત્રી વચ્ચે હાથાપાઈ. પશુપાલકોને નફો આપવા બાબતે ચેરમેને મંત્રીને લાફા માર્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Top Stories Gujarat Others
Palanpur Milk Mandli Dispute

Palanpur Milk Mandli Dispute: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ધણીયાણા દૂધ મંડળીમાં ગત રાત્રે જાહેરમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચે નફાની વહેંચણી બાબતે તકરાર થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે ચેરમેને પિત્તો ગુમાવી મંત્રીને લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ વાયરલ થતા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

નફો આપવાની વાત પર ચેરમેન લાલઘૂમ!

મળતી માહિતી મુજબ, ધણીયાણા દૂધ મંડળીમાં પશુપાલકોને આપવાના થતા નફાના નાણાં બાબતે ચેરમેન અને મંત્રી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. મંત્રી પશુપાલકોને તેમનો હક અને નફો આપવાની પેરવી કરી રહ્યા હતા, જે વાત ચેરમેનને ન ગમતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં હાથાપાઈ પર પહોંચી ગઈ હતી.

CCTVમાં કેદ થઈ ચેરમેનની ‘દાદાગીરી’

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચેરમેન એકાએક ઉશ્કેરાઈને મંત્રી પાસે પહોંચે છે અને કંઈ પણ વિચાર્યા વગર તેમને લાફા ઝીંકવાનું શરૂ કરી દે છે. મર્યાદાના લીરેલીરા ઉડાવતા આ દ્રશ્યો સામે આવતા જ ગ્રામજનો અને દૂધ ઉત્પાદકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પશુપાલકોના હિતની વાત કરનાર મંત્રી પર થયેલા હુમલાની ચોમેર ટીકા થઈ રહી છે.

Palanpur પંથકમાં ચર્ચાનો વિષય

દૂધ મંડળી એ ગામની જીવાદોરી સમાન હોય છે, પરંતુ તેના જવાબદાર હોદ્દેદારો વચ્ચેની આ પ્રકારની લાફાવાળી પાલનપુર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. વીડિયો વાયરલ થયા બાદ હવે મંત્રી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે છે કે કેમ અને બનાસ ડેરી આ મામલે કેવા પગલાં લેશે તેના પર સૌની મીટ મંડાણી છે.


આ પણ વાંચો : પાલનપુરમાં કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસનો જ વિરોધ

આ પણ વાંચો : પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજથી શહેરના 1.41 લાખ નાગરિકોને લાભ

આ પણ વાંચો : પાલનપુરમાં બે બાળકોનો જીવ લેનારા કાર ચાલકને 10 વર્ષની સજા