Canada News/ કેનેડા PRના નિયમોમાં મોટો ફેરફાર, નોવા સ્કોટિયામાં હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના જ રહેશે માન્ય

Canadaના નોવા સ્કોટિયા પ્રાંતે PR માટેના EOI નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય રહેશે. 1 મે 2024 પહેલાની તમામ પ્રોફાઇલ્સ રદ કરવામાં આવશે.

Top Stories World
Canada New PR Rule

Canada New PR Rule: કેનેડામાં સ્થાયી થવા ઈચ્છતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડાના નોવા સ્કોટિયા (Nova Scotia) પ્રાંતે પોતાની ઇમિગ્રેશન સિસ્ટમમાં મહત્વના ફેરફાર કર્યા છે. હવેથી PR પ્રક્રિયા માટેની એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) પ્રોફાઇલ અનિશ્ચિત સમય સુધી માન્ય રહેશે નહીં, જેના કારણે અનેક ઉમેદવારોએ હવે ફરીથી મહેનત કરવી પડી શકે છે.

Canada : શું છે નવો નિયમ?

નોવા સ્કોટિયા નોમિની પ્રોગ્રામ (NSNP) હેઠળ જાહેર કરાયેલા નવા અપડેટ મુજબ, 1 મે 2026 થી દાખલ કરવામાં આવતી તમામ નવી EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના સુધી જ માન્ય ગણાશે. જો કોઈ ઉમેદવારને એક વર્ષની અંદર PR માટે આમંત્રણ (Invitation) નહીં મળે, તો તેની પ્રોફાઇલ આપમેળે એક્સપાયર થઈ જશે. અગાઉ આવી કોઈ સમય મર્યાદા ન હોવાથી જૂની ફાઇલો પણ પૂલમાં પડી રહેતી હતી.

જૂની પ્રોફાઇલ ધરાવતા લોકો માટે શું?

સરકારે જૂની પ્રોફાઇલ માટે પણ કડક વલણ અપનાવ્યું છે, જે મુજબ જેમણે 1 મે 2024 પહેલા એટલે કે બે વર્ષ કે તેથી વધુ સમય પહેલા પ્રોફાઇલ બનાવી હતી, તેમની ફાઇલો 1 મે 2026 ના રોજ બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, જે ઉમેદવારોએ 1 મે 2024 થી 30 એપ્રિલ 2026 વચ્ચે EOI દાખલ કરી છે, તેમની પ્રોફાઇલ 30 એપ્રિલ 2027 સુધી માન્ય રહેશે અને જો આ સમયગાળામાં તેમની પસંદગી નહીં થાય, તો તેમણે પણ ફરજિયાતપણે નવી ફાઇલ બનાવવી પડશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

કેનેડા સરકારનું માનવું છે કે જૂની અને નિષ્ક્રિય પ્રોફાઇલ્સને કારણે પસંદગી પ્રક્રિયા ધીમી પડતી હતી. સિસ્ટમને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે આ ફેરફાર કરાયો છે. હવે સરકાર એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપશે જેમની માહિતી અપડેટેડ હોય અને જેઓ વર્તમાન માર્કેટની જરૂરિયાતો મુજબ યોગ્ય હોય.

ભારતીયો પર શું અસર થશે?

કેનેડાના અન્ય પ્રાંતો (જેમ કે ઓન્ટારિયો) માં પણ હવે નિયમો કડક થઈ રહ્યા છે. નોવા સ્કોટિયાએ તાજેતરમાં તેની 10 ઇમિગ્રેશન કેટેગરી ઘટાડીને માત્ર 4 કરી દીધી છે. આવી સ્થિતિમાં, ભારતીય ઉમેદવારોએ હવે સતત સક્રિય રહેવું પડશે અને પોતાની પ્રોફાઇલ અપડેટ કરવી પડશે. ‘એકવાર ફાઇલ મૂકી દીધી એટલે કામ પૂરું’ – તેવી જૂની પદ્ધતિ હવે ચાલશે નહીં.


આ પણ વાંચો: કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.

આ પણ વાંચો: કેનેડા ભારતને યુરેનિયમ સપ્લાય કરશે, વેપારનું લક્ષ્ય 50 અબજ ડોલર

આ પણ વાંચો: કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની મુંબઈ પહોંચ્યા, જાણો તેમની મુલાકાત કેમ મહત્વપૂર્ણ