Amreli Police Action: અમરેલી શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભોજન સમારંભમાં નિર્દોષ નાગરિક પર હુમલો કરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયેલા કુખ્યાત હિસ્ટ્રીશીટર યુવરાજ શિવકુ મકવાણાને પોલીસે દબોચી લીધો છે. ગુનેગારોમાં પોલીસનો ખૌફ જળવાઈ રહે તે માટે આજે તેનું ઘટનાસ્થળે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

Amreli : ભોજન સમારંભમાં કરી હતી છરીબાજી
આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ, અમરેલીમાં યોજાયેલા એક ભોજન સમારંભ દરમિયાન યુવરાજ મકવાણાએ સામાન્ય બાબતે મારામારી કરી હતી. તેણે ફરિયાદીને ઢોર માર મારી, છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા જ અમરેલી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
DYSPની હાજરીમાં કરાયું રિકન્સ્ટ્રક્શન
ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના આદેશ બાદ, અમરેલી સિટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આજે ચકરગઢ રોડ પર આવેલી અમૃતનગર શેરીમાં, જ્યાં ગુનો બન્યો હતો ત્યાં આરોપીને લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. DYSP ની સીધી દેખરેખ હેઠળ પોલીસે પંચનામું કર્યું હતું અને આરોપીને જાહેરમાં ચલાવીને કાયદાનો ડર બતાવ્યો હતો. આ દ્રશ્યો જોવા માટે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

12 થી વધુ ગુનાઓનો ગુનાહિત ઈતિહાસ
યુવરાજ મકવાણા અમરેલી પંથકનો કુખ્યાત ગુનેગાર છે. તેની સામે અત્યાર સુધીમાં હત્યાના પ્રયાસ (307) સહિતના અલગ-અલગ 12 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અગાઉ એક હત્યાના પ્રયાસના કેસમાં તેને કોર્ટે 10 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સજા કાપીને તે હાલમાં જામીન પર જેલની બહાર હતો, પરંતુ ફરી ગુનાખોરીના રસ્તે ચઢતા પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી છે.
આ પણ વાંચો:અમરેલીનું મીતીયાળા ફરી હચમચ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી લોકોમાં ફફડાટ
આ પણ વાંચો: અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સાંજે અમરેલીની ધ્રૂજી ધરતી, લોકોમાં ફફડાટ
આ પણ વાંચો: અમરેલીના ખાંભા તાલુકાના બરસીયા ડુંગરમાં લાગી વિશાળ આગ, 80 વીઘાથી વધુ જમીન બળીને ખાખ
