Jamnagar News : જામનગર શહેરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે વધુ એક સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પેઢી પર દરોડાની કાર્યવાહી કરતા વેપારી જગતમાં ખળભળાટ મચી ગયો છે. રણજીતસાગર રોડ પર આવેલી સીએની ઓફિસ પર સેન્ટ્રલ જીએસટી (GST) ની ટીમે લાંબી પૂછપરછ અને દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સંબંધીત સીએ દ્વારા શહેરના એકાદ ડઝન જેટલા વ્યક્તિઓના નામે બોગસ પેઢીઓ ઊભી કરી, કરોડો રૂપિયાનો ગેરકાયદેસર વહીવટ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ છે. છેલ્લા ત્રણેક વર્ષથી બ્રાસ સ્ક્રેપના વ્યવહારો દર્શાવી 500 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ આચરાયું હોવાનું પણ સામે આવ્યું છે.

દરોડા દરમિયાન સીએ, તેની પત્ની તેમજ ઓફિસમાં કાર્યરત વર્કર્સના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના જાણીતા વકીલની એન્ટ્રી થતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. વકીલે કેસની કુંડળીમાં ‘ગોળ ભાંગી’ વહીવટ કરતા તપાસની દિશા બદલાઈ હોવાની ચર્ચા પણ શહેરમાં ચાલી રહી છે.
આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો એ છે કે, જેના નામે બોગસ પેઢીઓ ચલાવવામાં આવી રહી હતી તે વ્યક્તિઓ માત્ર કમિશન લઈને મોજ કરતા હોવાની પણ સૂત્રો દ્વારા ચર્ચા થઈ રહી છે. દરોડાની કાર્યવાહી બાદ નિવેદનો બદલાવી ‘ઝીરો રેડ’ તરફ કેસ વાળવાની તજવીજ થઈ રહી હોવાની અટકળોએ પણ જોર પકડ્યું છે.
સેન્ટ્રલ જીએસટી (GST) વિભાગની આ કાર્યવાહી બાદ વેપારી અને સીએ વર્તુળોમાં વ્યાપક ચર્ચાઓ
સેન્ટ્રલ જીએસટી (GST) વિભાગની આ કાર્યવાહી બાદ જામનગરના વેપારી અને સીએ વર્તુળોમાં વ્યાપક ચર્ચાઓ જાગી ઉઠી છે. આગામી દિવસોમાં તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
