Gujarat News : OBC અનામત મુદ્દે દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારે એક મોટું નિવેદન આપ્યું છે. 27 ટકા અનામતનો મોટો હિસ્સો કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, એવો તેમણે દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની અને જે જ્ઞાતિની જેટલી વસ્તી હોય તે પ્રમાણે અનામત ફાળવવાની હિમાયત કરી. તેમના આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે, અને કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કરતા આ નિવેદનને રાહુલ ગાંધીના સ્ટેન્ડનું સમર્થન ગણાવ્યું છે.
ધારાસભ્ય પી.કે. પરમારનું એક નિવેદન હાલમાં ચર્ચામાં છે, જેમાં તેમણે OBC અનામતની ફાળવણી પર સવાલો ઉઠાવ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજના પાટડીમાં 31 ઓગસ્ટના રોજ યોજાયેલા એક વિદ્યાર્થી સન્માન સમારોહમાં હાજર રરહ્યા હતા. જ્યાં તેમણે આ વાત કરી હતી. 27 ટકા અનામતમાં કેટલીક એવી સમૃદ્ધ જ્ઞાતિઓનો પણ સમાવેશ થાય છે, જેના કારણે ખરેખર જરૂરિયાતમંદ સમાજને તેનો પૂરતો લાભ મળતો નથી, એમ પરમારે જણાવ્યું હતું.
પી.કે. પરમારે પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો. જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની તેમણે માંગ કરી. તેમણે કહ્યું કે, આ પ્રકારની વસ્તી ગણતરીથી જ સાચો આંકડો જાણી શકાશે કે કઈ જ્ઞાતિની કેટલી વસ્તી છે. તેમણે “જેની જેટલી વસ્તી, તેનો અનામતમાં તેટલો હિસ્સો” આ સિદ્ધાંતના આધારે અનામતની ફાળવણી થવી જોઈએ, તેવું બીજું સુચન તેમણે કર્યું હતું. આ નિવેદન આપતા તેમણે દાવો પણ કર્યો કે ભાજપ સરકાર આ દિશામાં પ્રયાસ કરી રહી છે.
વિરોધ પક્ષ કોંગ્રેસે પી.કે. પરમારના આ નિવેદન પર તુરંત પ્રતિક્રિયા આપી. “આજે ભાજપના ધારાસભ્ય પણ ખુલીને રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે, એમ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કટાક્ષ કરતા કહ્યું હતું. આ કોંગ્રેસ અને પછાત વર્ગો માટે ખૂબ જ આનંદની વાત છે.” મકવાણાએ પરમારને તેમની હિંમત બદલ અભિનંદન પણ પાઠવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, જો પરમાર કોંગ્રેસનો ખેસ પહેરે તો પણ તેમને કોઈ વાંધો નથી, અને બાકીના 156 ભાજપના સભ્યોએ પણ રાહુલ ગાંધીની જાતિ આધારિત વસ્તી ગણતરીની વાતને સમર્થન આપવું જોઈએ.
આ પણ વાંચો:વડોદરા : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો
આ પણ વાંચો:વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, 3.17 કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો:વડોદરા : જુગારધામ પર વારસિયા પોલીસની સફળ રેડ
