Sanand GIDC Fire News: અમદાવાદના ઔદ્યોગિક હબ ગણાતા સાણંદ GIDC વિસ્તારમાં આજે રવિવારે એક ભયાનક આગની દુર્ઘટના ઘટી છે. વન્ડર ગેટ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા.
ટ્રોલીઓ અને પાર્ટ્સ બળીને ખાખ
મળતી વિગતો અનુસાર, સાણંદ GIDCના વન્ડર ગેટ પાસે આવેલી IPD નામની ખાનગી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીના શેડમાં રાખેલો સ્પેરપાર્ટ્સનો જથ્થો અને ટ્રોલીઓ આગની લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાથી આકાશ ભરાઈ ગયું હતું.

Sanand ફાયર બ્રિગેડની કલાકોની જહેમત
આગના બનાવની જાણ થતા જ સાણંદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પહોંચીને ત્વરિત કાર્યવાહી કરતા પાણીનો મારો ચલાવ્યો હતો. એકાદ કલાકથી વધુ સમય સુધી આગ ધખધખતી રહી હતી, પરંતુ ફાયર ફાઈટરોની સતત જહેમત બાદ આગને વધુ પ્રસરતી અટકાવવામાં આવી હતી અને કલાકોની મહેનત બાદ તેના પર આંશિક કાબૂ મેળવી શકાયો હતો.
જાનહાનિ ટળી, પણ લાખોનું નુકસાન
સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે. જોકે, કંપનીમાં રહેલો કિંમતી સામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાથી મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
