Gandhinagar News/ અમિત શાહના હસ્તે મધુર ડેરીના ₹128 કરોડના પ્લાન્ટનું કરશે લોકાર્પણ

Madhur Dairy New Plant: ગાંધીનગરના દશેલામાં 128 કરોડના ખર્ચે બનેલા મધુર ડેરીના આધુનિક પ્લાન્ટનું 17 મેના રોજ અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. આ પ્લાન્ટથી દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 5 લાખ લિટર સુધી પહોંચશે.

Gujarat Gandhinagar Top Stories
Madhur Dairy New Plant:

Madhur Dairy New Plant: સહકાર ક્ષેત્રે ગાંધીનગર જિલ્લો વધુ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે. ગાંધીનગર જિલ્લાની જીવાદોરી સમાન ‘મધુર ડેરી’ (ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.) દ્વારા દશેલા ગામ ખાતે નિર્મિત અદ્યતન ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું આગામી 17 મે, 2026 ના રોજ ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આ અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

દિગ્ગજ નેતાઓની રહેશે ઉપસ્થિતિ

આ લોકાર્પણ પ્રસંગે ગુજરાતના રાજકીય નેતૃત્વની ગરિમામય હાજરી જોવા મળશે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેશે.

₹128 કરોડનો ખર્ચ અને હાઈટેક સુવિધાઓ

આશરે 128 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલા આ નવા પ્લાન્ટની અનેક વિશેષતાઓ છે. હાલ આ પ્લાન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા ૨.૫ લાખ લિટર છે, જે ભવિષ્યમાં વધારીને ૫ લાખ લિટર સુધી લઈ જઈ શકાશે. આ પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટીક હોવાથી દૂધની ગુણવત્તા અને પેકેજીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ચોકસાઈ જળવાશે. આ નવા પ્લાન્ટના કાર્યરત થયા બાદ મધુર ડેરીની કુલ ક્ષમતા ૫ લાખ લિટર પ્રતિ દિવસ થઈ જશે, જેનાથી તે જિલ્લાની સૌથી મોટી સહકારી સંઘ તરીકે ઉભરી આવશે.

ખેડૂતો અને ગ્રાહકોને શું ફાયદો થશે?

આ નવા પ્રોજેક્ટથી ગાંધીનગર જિલ્લાના હજારો દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે. દૂધ ઉત્પાદકોને હવે તેમના દૂધના વધુ પોષણક્ષમ ભાવ મળી શકશે. બીજી તરફ, ગ્રાહકોને ‘મધુર’ અને ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ વધુ ગુણવત્તાયુક્ત દૂધ અને તેની બનાવટો ઉપલબ્ધ થશે. અમૂલ ફેડરેશન (GCMMF) માટે નવી પ્રોડક્ટ્સ બનાવવાની ક્ષમતામાં પણ વધારો થશે.

Madhur Dairyની 55 વર્ષની સફળ સફર

મધુર ડેરીની શરૂઆત 6 ફેબ્રુઆરી 1971ના રોજ માત્ર 4 મંડળીઓ અને 6,433 લિટર દૂધ સંપાદન સાથે થઈ હતી. શરૂઆતમાં ડેરીનું વાર્ષિક ટર્નઓવર માત્ર 7 લાખ રૂપિયા હતું. આજે 55 વર્ષની સફર બાદ, ડેરી દરરોજ સરેરાશ 2.76 લાખ લિટર દૂધનું સંપાદન કરે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 628 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે તેની અદ્ભુત પ્રગતિની સાક્ષી પૂરે છે.


આ પણ વાંચો: પશુપાલકોએ રસ્તા પર દૂધની નદીઓ વહાવી વિધાનસભા તરફ કૂચ કરી

આ પણ વાંચો: ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોનો વિરોધ તેજ, દૂધના ભાવ મુદ્દે ચક્કાજામ, ડેરી પર તાળાબંધીની ધમકી

આ પણ વાંચો: દૂધ વિવાદ વકર્યો! પશુપાલકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ, મધુર ડેરીમાં દૂધ ભરાવવા માંગ