Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાંગાણી ગામ નજીક આજે બપોરે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ (Surendranagar Bus Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોરબંદરથી અમદાવાદ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની બસ જોતજોતામાં આગની લપેટમાં આવી ગઈ હતી. જોકે, ડ્રાઈવર અને ક્લીનરની સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.
ધુમાડા બાદ અચાનક ભભૂકી આગ
પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદરથી અમદાવાદ જતી બસ ચોટીલા નજીક સાંગાણી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. થોડી જ વારમાં આગ (Surendranagar Bus Fire) ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી.બસમાં આગ લાગતા મુસાફરોમાં જીવ બચાવવા માટે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી.
ડ્રાઈવરની સમયસૂચકતાથી ટળી મોટી દુર્ઘટના
આગની ઘટના બનતા જ બસના ડ્રાઈવર અને ક્લીનરે તાત્કાલિક બસને રોડ સાઇડ પર ઊભી રાખી તમામ મુસાફરોને ઝડપથી નીચે ઉતારી લીધા હતા. આ ઝડપી નિર્ણયના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.બસમાં મુસાફરી કરી રહેલા કિશન નામના મુસાફરે જણાવ્યું કે, “હું ગોંડલથી બસમાં બેઠો હતો. અચાનક આગ લાગી અને અમે બધા તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા.”
Surendranagar Bus Fire: બસ બળીને ખાખ, ટ્રાફિક જામ સર્જાયો
ઘટનાની જાણ થતા જ ચોટીલા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે મહેનત બાદ આગ (Surendranagar Bus Fire) પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.આ ઘટનાના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી.
શોર્ટ સર્કિટની આશંકા
પ્રાથમિક તપાસમાં બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે, આગનું સાચું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ચાર દિવસ પહેલાં પણ થયો હતો ભયાનક અકસ્માત
ઉલ્લેખનીય છે કે, માત્ર ચાર દિવસ પહેલાં જ આ જ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તે ઘટનામાં બસમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા હતા.આ ઘટનાની યાદો હજુ તાજી છે ત્યારે ફરી બસમાં આગ લાગવાની ઘટનાએ મુસાફરો અને વાહનચાલકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.
આ પણ વાંચો:જેસલમેરમાં AC બસમાં આગ લાગતા 15થી વધુનાં મોતની આશંકા :કલેક્ટરે કહ્યું- ગાડીમાં ફક્ત મૃતદેહો
આ પણ વાંચો:કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી, 10 લોકોના મોત
આ પણ વાંચો:લખનૌમાં ચાલતી બસમાં આગ લાગતા પાંચ ભુંજાયા, પિતા સામે જ દીકરા-દીકરીનાં મોત, ઇમર્જન્સી ગેટ ન ખૂલ્યો
