Ahmedabad News : અમદાવાદમાં હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર ચાલી રહેલા કુખ્યાત આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડને ઝડપી પાડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ (Firing)કરવું પડ્યું હતું. સોલા-સાયન્સ સિટી વિસ્તારમાં થયેલી આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ધરપકડ દરમિયાન પોલીસ પર હુમલાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં ધમા બારડ લાંબા સમયથી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચને તેના સાયન્સ સિટી વિસ્તારમાં હોવાની બાતમી મળતા ટીમ તેને ઝડપી પાડવા પહોંચી હતી. દરમિયાન આરોપીએ પોલીસ સાથે ઝપાઝપી કરી પિસ્તોલ તાણી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરિસ્થિતિ ગંભીર બનતા ક્રાઈમ બ્રાન્ચના PI મેહુલ ચૌહાણે સ્વબચાવમાં ફાયરિંગ (Firing)કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને કાબૂમાં લઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
26 ગંભીર ગુનાઓમાં સંડોવણી
પકડાયેલો ધમા બારડ રીઢો ગુનેગાર માનવામાં આવે છે. તેના વિરુદ્ધ અમદાવાદ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, તોડબાજી, લૂંટ, ધાડ, રમખાણો, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 26 ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
સુરત હાફ એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં
આ ઘટના બાદ સુરતમાં થોડા દિવસો અગાઉ બનેલી હાફ એન્કાઉન્ટરની ઘટના પણ ફરી ચર્ચામાં આવી છે. વરાછાની SBI બેંક લૂંટ કેસના આરોપી શુભમ ઠાકુરે પોલીસ પર ફાયરિંગ (Firing) કરતા પોલીસે વળતા જવાબમાં તેના પગમાં ગોળી મારી હતી. હવે અમદાવાદમાં બનેલી આ ઘટનાએ રાજ્યમાં વધતા ગુનાખોરી મુદ્દે ફરી ચર્ચા જગાવી છે.
