Surendranagar News/ ધ્રાંગધ્રાના કોંઢ ગામે ખેડૂતોના પ્રતીક ઉપવાસ શરૂ

ખેડૂતો (Farmers)નું કહેવું છે કે પાવરગ્રીડ કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીથી તેમની જમીન અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે,

Gujarat Others
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીની કામગીરી સામે ખેડૂતો (Farmers)નો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીની કામગીરી સામે ખેડૂતો (Farmers)નો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. ખેડૂતો દ્વારા તેમની વિવિધ માંગણીઓ અને પૂરતા વળતરની માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. ગામમાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.

ખેડૂતો (Farmers)નું કહેવું છે કે પાવરગ્રીડ કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીથી તેમની જમીન અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે ખેડૂતો છેલ્લા એક અઠવાડિયાથી સતત આંદોલન કરી રહ્યા છે અને અગાઉ રસ્તા રોકો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.

પ્રતીક ઉપવાસ દરમિયાન ખેડૂતો દ્વારા રામધુન બોલાવીને શાંતિપૂર્ણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખેડૂતો (Farmers)નું કહેવું છે કે તેઓએ કંપની અને તંત્ર સમક્ષ 12 મુદ્દાની માંગણીઓ રજૂ કરી છે, જેમાં મુખ્યત્વે યોગ્ય વળતર, ખેતીને થતા નુકસાનનો ન્યાયસંગત હિસાબ અને સ્થાનિક ખેડૂતોના હિતોની સુરક્ષા જેવા મુદ્દાઓ સામેલ છે.

ઉપવાસ દરમિયાન એક ખેડૂતની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે આંદોલન સ્થળે ચિંતા વ્યાપી ગઈ હતી, જોકે અન્ય ખેડૂતો પોતાના વિરોધ કાર્યક્રમ સાથે અડગ રહ્યા હતા.

બીજી તરફ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાવરગ્રીડ કંપની દ્વારા વીજપોલ સ્થાપનની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ખેડૂત આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. હાલની પરિસ્થિતિને જોતા કોંઢ ગામનો પાવરગ્રીડ મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : સરકારી મેસેજ બાદ પણ મકાઈની પૂરી ખરીદી ન થતાં ખેડૂતોમાં રોષ

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી

આ પણ વાંચો : ખેડૂતો માટે ડીઝલ પર મોટો નિર્ણય