Tamil Nadu Politics 2026: તમિલનાડુના રાજકારણમાંથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. DMK અધ્યક્ષ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સત્તાધારી પક્ષ ‘તમિલગા વેત્રી કડગમ’ (TVK) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, વર્તમાન TVK સરકાર એવા પક્ષોના ટેકાથી ચાલી રહી છે જેઓ એક સમયે ડીએમકે (DMK) ની આગેવાની હેઠળના ગઠબંધનનો હિસ્સો હતા. આ સાથે જ સ્ટાલિને ખુલ્લો પડકાર ફેંકતા સંકલ્પ લીધો છે કે તેમની પાર્ટી ટૂંક સમયમાં જ આ સરકારનો અંત લાવશે અને સત્તામાં ભવ્ય વાપસી કરશે.
“અન્ય પક્ષોની દયા પર ચાલી રહી છે વર્તમાન સરકાર”
એક વિશેષ રાજકીય કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે એમકે સ્ટાલિને આરોપ લગાવ્યો હતો કે, “વર્તમાન સરકાર અમારા ભૂતપૂર્વ ગઠબંધન સહયોગીઓની દયા પર કામ કરી રહી છે. આ એ જ પક્ષો છે જેમણે અમારા ગઠબંધન હેઠળ રહીને વિધાનસભાની બેઠકો મેળવી હતી. તે સમયે, હું એવી પરિસ્થિતિ નહોતો ઈચ્છતો જેનાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કે ભાજપ (BJP) નું શાસન લાગુ થઈ જાય, તેથી મેં તેમને રોક્યા નહોતા.”
ડીએમકે સત્તામાં શાનદાર વાપસી કરશે: સ્ટાલિન
એમકે સ્ટાલિને સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીએ અત્યાર સુધી તમિલનાડુમાં (Tamil Nadu) રાજકીય અસ્થિરતા ટાળવા માટે સરકારને તોડવા કે નબળી પાડવાનું કોઈ પગલું ભર્યું નહોતું. પરંતુ, હવે પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. તેમણે પક્ષના કાર્યકર્તાઓ અને કેડરોને આહ્વાન કર્યું છે કે તેઓ રાજ્યમાંથી TVK સરકારને ઉખાડી ફેંકવા માટે અત્યારથી જ કામે લાગી જાય. સ્ટાલિને પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે કે DMK ટૂંક સમયમાં જ તમિલનાડુની સત્તા પર ફરીથી બિરાજમાન થશે.
Tamil Nadu ચૂંટણીના ઐતિહાસિક સમીકરણો
નોંધનીય છે કે, તમિલનાડુમાં(Tamil Nadu) યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો એકદમ આશ્ચર્યજનક અને ઐતિહાસિક રહ્યા હતા. સાઉથના સુપરસ્ટાર અભિનેતા વિજય (થલાપતિ વિજય) ની નવી પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’ (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી.
TVK: ચૂંટણીમાં સૌથી વધુ 108 બેઠકો જીતી હતી.
DMK ગઠબંધન: એમકે સ્ટાલિનના નેતૃત્વમાં ગઠબંધનને 73 બેઠકો મળી હતી (જેમાં એકલી DMK ને 59 બેઠકો, કોંગ્રેસને 5, CPI ને 2, CPI-M ને 2, VCK ને 2, IUML ને 2 અને DMDK ને 1 બેઠક મળી હતી).
AIADMK ગઠબંધન: આ ગઠબંધનને 53 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો (AIADMK ને 47, PMK ને 4, BJP ને 1 અને AMMK ને 1 બેઠક).
તમિલનાડુમાં (Tamil Nadu) બહુમતી માટે 118 બેઠકોનો જાદુઈ આંકડો જરૂરી છે, પરંતુ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, થલાપતિ વિજયની TVK એ અન્ય પક્ષોના સમર્થનથી સરકાર બનાવી હતી અને સી. જોસેફ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પરંતુ હવે સ્ટાલિનના આ નવા નિવેદન બાદ તમિલનાડુના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં મોટો ઉલટફેર! જાણો સીએમ વિજયના ફ્લોર ટેસ્ટ પહેલા તમિલનાડુમાં શું થયું?
આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયનો રાજ્યાભિષેક નક્કી! VCK ના સમર્થન સાથે જાદુઈ આંકડો પાર
આ પણ વાંચો: તમિલનાડુમાં નવી સરકાર પર સસ્પેન્સ! VCKએ વિજયની TVK સામે મૂકી મોટી શરત
