Surendranagar News/ ખેડૂતોના પ્રશ્નો અને વીજ કાપ મુદ્દે લીંબડી કોંગ્રેસની આક્રોશ રેલી

Limbdi Congress Protest: સુરેન્દ્રનગરના લીંબડીમાં ખેડૂતોના પાક વીમા, વીજ કાપ અને પરવાનગી વગર નાખવામાં આવતી હેવી પાવર લાઇનના વિરોધમાં કોંગ્રેસે વિશાળ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન આપ્યું.

Top Stories Gujarat Others
Surendranagar Limbdi Congress Protest

Surendranagar Limbdi Congress Protest : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં ખેડૂતો અને સ્થાનિક જનતાના પડતર પ્રશ્નોને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતના વિવિધ વણઉકેલાયેલા પ્રશ્નો અને ખાસ કરીને જગતના તાતને ન્યાય અપાવવા માટે લીંબડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલી સેવા સદન કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કાર્યકરોએ ધરણા પર બેસીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Limbdi : ટાવર વીજ લાઇન નાખવાનો આકરો વિરોધ

કોંગ્રેસ દ્વારા કરાયેલું આ આંદોલન મુખ્યત્વે ખેડૂતોના પાક નુકસાનીના વીમા વળતર અને સૌરાષ્ટ્રમાં ખાનગી કંપનીઓની દાદાગીરી વિરુદ્ધ હતું. કોંગ્રેસ આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની લેખિત પરવાનગી લીધા વિના જ તેમના ફળદ્રુપ ખેતરોમાં આડેધડ હેવી ટાવર વીજ લાઇનના મોટા થાંભલા ઊભા કરી દેવામાં આવી રહ્યા છે. આ પ્રકારની જોહુકમીના કારણે ખેડૂતોની કિંમતી જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને પાક ઉત્પાદન પર પણ માઠી અસર પડી રહી છે, છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે.

Limbdi : આડેધડ ખોદકામથી લીંબડીની પ્રજા ત્રાહિમામ

ગ્રામીણ વિસ્તારો ઉપરાંત લીંબડી શહેરની સ્થાનિક પ્રજા પણ વહીવટી તંત્ર અને વીજ કંપનીની નીતિઓથી પરેશાન છે. શહેરમાં વારંવાર મેન્ટેનન્સ અને રિપેરિંગના બહાને અઘોષિત વીજકાપ ઝીંકી દેવામાં આવે છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સાથે જ શહેરમાં યોગ્ય પ્લાનિંગ વિના કરાતા આડેધડ ખોદકામને લીધે રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યાઓ વધી રહી છે.

લીંબડી શહેર અને તાલુકાના આ તમામ જ્વલંત પ્રશ્નોના કાયમી ઉકેલ માટે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે નાયબ કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તાકીદે ન્યાયિક કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરી છે. આ સાથે જ કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો પ્રજા અને ખેડૂતોના આ વ્યાજબી પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં આનાથી પણ વધુ ઉગ્ર અને આક્રમક આંદોલન છેડવામાં આવશે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ડીઝલની ભારે અછત, પેટ્રોલ પંપો પર લાગી વાહનોની લાંબી લાઈનો

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં AIનો ખતરનાક દુરૂપયોગ: યુવતીના ફોટા એડિટ કરી 1.30 લાખની ખંડણી વસૂલાઈ

આ પણ વાંચો: ગુજરાતમાં 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ