Ahmedabad Air India Plane Crash Survivor : 12 જૂન 2025ની એ કાળઝાળ બપોર… જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડેલું એર ઇન્ડિયાનું વિમાન (AI-171) ટેક-ઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં જ ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયું હતું. આકાશમાં ધુમાડાના ગોટેગોટા અને આગની ભયાનક લપેટો વચ્ચે 241 મુસાફરોના કમકમાટીભર્યા મોત થયા હતા. પરંતુ તે સ્મશાનભૂમિ જેવા દ્રશ્યો વચ્ચે સીટ નંબર 11A પર બેઠેલા 40 વર્ષીય બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ ચમત્કારિક રીતે જીવતા બહાર નીકળ્યા હતા. દુનિયા જેમને આ અકસ્માતનો સૌથી ‘ખુશનસીબ ઇન્સાન’ માને છે, તે વિશ્વાસ કુમાર આજે અકસ્માતના એક વર્ષ પછી પણ જે માનસિક નરક અને પીડા ભોગવી રહ્યા છે, તેની દર્દનાક કહાની તેમને પોતે જ શેર કરી છે.

Plane Crash: આંખો સામે હજુ પણ લાશોના ઢગલા દેખાય છે
દુર્ઘટનાની પહેલી બરસી પર મીડિયા સાથે વાતચીત કરતા વિશ્વાસ કુમારે જણાવ્યું કે, “લોકો માત્ર એ જુએ છે કે હું મોતના મુખમાંથી બચી ગયો, પણ બંધ દરવાજા પાછળ હું રોજ કેવી જિંદગી જીવું છું તેની કોઈને ખબર નથી. અકસ્માતના ઘા ભલે શરીર પરથી સુકાઈ ગયા હોય, પણ મારા દિલ અને દિમાગમાંથી એ ડરામણી યાદો નથી ભૂંસાઈ. હું આજે પણ રાત્રે સરખી રીતે ઊંઘી શકતો નથી. પેનિક એટેક અને ભયંકર એન્ઝાયટીના કારણે મારું જીવન મુશ્કેલ બની ગયું છે.”
તેમને હોસ્પિટલના એ દિવસો યાદ કરતા કહ્યું કે, “જ્યારે અકસ્માત બાદ મને હોશ આવ્યો, ત્યારે ચારેય તરફ માત્ર લાશો જ લાશો હતી. હું એટલો ડરી ગયો હતો કે ત્યાંથી ઉભો થઈને સીધો ભાગ્યો હતો.” એક્ઝિટ ગેટની નજીક બેઠા હોવાના કારણે વિશ્વાસ કુમાર ઝડપથી બહાર નીકળી શક્યા હતા, પરંતુ તેમનો નાનો ભાઈ એટલો નસીબદાર ન હતો.

ભારતથી પરત ફરતી વખતે કાળ આંબી ગયો
આ ભયાનક વિમાન દુર્ઘટનામાં વિશ્વાસ કુમારે તેમના સગા નાના ભાઈ અજય કુમાર રમેશને કાયમ માટે ગુમાવી દીધો હતો. બંને ભાઈઓ ભારતમાં પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે સુંદર સમય વિતાવીને લંડન પરત ફરી રહ્યા હતા. ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ વિમાન બી.જે. મેડિકલ કોલેજના કેમ્પસની બિલ્ડિંગ સાથે અથડાયું હતું. વિમાનમાં સવાર 242 માંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર હાજર અન્ય 19 લોકોએ પણ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોતાના ભાઈના મોતના ગમને કારણે વિશ્વાસ કુમાર અંદરથી તૂટી ગયા છે.
માનસિક પીડાની સાથે હવે આર્થિક કટોકટીનો સામનો
વિશ્વાસ કુમાર માટે આ અકસ્માત માત્ર માનસિક આઘાત જ નથી લાવ્યો, પરંતુ તેમની સામે મોટું આર્થિક સંકટ પણ ઊભું થયું છે. વિશ્વાસ અને તેમના ભાઈ અજયે પોતાની જિંદગીની મોટાભાગની બચત ભારતમાં ફિશરીઝ (મછલી કારોબાર) બિઝનેસમાં રોકી દીધી હતી. અજયના અકાળે અવસાન અને આ ભયાનક દુર્ઘટના બાદ પરિવારના તમામ બિઝનેસ પ્લાન અને આર્થિક આયોજનો વેરવિખેર થઈ ગયા છે અને ભવિષ્ય અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલાઈ ગયું છે. તેઓ કહે છે, “હું જીવતો છું તેના માટે ઈશ્વરનો આભારી છું, પણ મેં જે સહન કર્યું છે તેને શબ્દોમાં બયાન કરવું અશક્ય છે.”
આ પણ વાંચો:Ahmedabad plane crash માં નવો વળાંક: કાર્તિ ચિદમ્બરે નવા પુરાવાનો દાવો કરી ફરી તપાસની માંગ
આ પણ વાંચો:Ahmedabad plane crash દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને ધ્યાને લઈને 13 બિલ્ડીંગો તોડાશે
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ : સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસનો હેતુ કારણ શોધવાનો, ભવિષ્યની સલામતીનો છે,
