Weather News/ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ક્યાંક પાણી ભરાવાની સમસ્યા, તો ક્યાંક સામાન્ય વરસાદે જ ખોલી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ

દક્ષિણ ગુજરાત (South Gujarat) માં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી, પરંતુ સુરત-વાપી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા.

Gujarat Top Stories
South Gujarat

Gujarat Weather Alert: દક્ષિણ ગુજરાત (South Gujarat) માં હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. તાપી, સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. બીજી તરફ કેટલાક શહેરોમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવતા સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે.

તાપીમાં વરસાદથી ઠંડક પ્રસરી

તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સુરતમાં વાતાવરણમાં અચાનક પલટો

સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મજૂરાગેટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અરેઠ અને આસપાસના ગામોમાં મેઘરાજાની પધરામણી

સુરત જિલ્લાના અરેઠ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અરેઠના મુંજલાવ સહિતના ગામોમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

સામાન્ય વરસાદમાં જ ખુલ્લી પડી પ્રિ-મોન્સૂન કામગીરી

સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ઉધના-નવસારી મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. ઉધના દરવાજા સામેના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાએ મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

વાપીમાં સર્વિસ રોડ પર પાણી ભરાયા

વલસાડ જિલ્લાના વાપી ખાતે સલવાવ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાઇવે નં. 48ના સર્વિસ રોડ પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકો દ્વારા પાણી નિકાલની વ્યવસ્થામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

નવસારીમાં પણ વરસાદની એન્ટ્રી

નવસારી શહેર તેમજ ચીખલી, ખેરગામ અને વાંસદા સહિતના તાલુકાઓમાં સવારથી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વલસાડમાં ગરનાળામાં પાણી ભરાતા બાળકોને મુશ્કેલી

વલસાડના મોગરાવાડી ગરનાળામાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતા શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સુરત જિલ્લામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ

સુરત જિલ્લાના અરેઠ વિસ્તારમાં એક કલાકમાં અંદાજે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. માંડવી, ઉમરપાડા, માંગરોળ, કેવડી, વેલાવી અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી, જ્યારે ખેડૂતો સારા વરસાદની આશા વ્યક્ત કરી રહ્યા છે.


આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલની શક્યતા

આ પણ વાંચો: દેશભરમાં બદલાયું હવામાન: મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી, 15 દિવસથી અટકેલો ચોમાસો હવે ફરી પકડશે ગતિ

આ પણ વાંચો: દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન