World News/ વેનેઝુએલામાં ભૂકંપથી મૃત્યુઆંક 920ને પાર, 50 હજારથી વધુ લોકો લાપતા

વેનેઝુએલા (Venezuela) માં ડબલ ભૂકંપનો કહેર: 900થી વધુનાં મોત, 50 હજારથી વધુ લોકો લાપતા; રાહત-બચાવ કામગીરી યથાવત.

Top Stories World
Venezuela

Venezuela Double Earthquake News: વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ દેશને ભારે વિનાશ તરફ ધકેલી દીધો છે. સત્તાવાર માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 920 લોકોના મોત થયા છે, જ્યારે 3,360થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 50 હજારથી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

બુધવારે સાંજે રાજધાની કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આવેલા 7.2 અને 7.5 તીવ્રતાના ભૂકંપ બાદ અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. વેનેઝુએલા સરકારના જણાવ્યા મુજબ, હજુ પણ 172 લોકો કાટમાળ નીચે ફસાયેલા છે અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

આ દરમિયાન શુક્રવારે બપોરે ફરી એક વખત 4.9 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેના આંચકા કારાકાસ તેમજ નજીકના મારાકે શહેરમાં પણ અનુભવાયા હતા. સતત આવી રહેલા આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

સૌથી વધુ અસરગ્રસ્ત લા ગુએરા રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીની ધીમી ગતિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે મશીનરીના અભાવે સ્થાનિક રહેવાસીઓ અને સ્વયંસેવકો પોતાના હાથે જ કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લા ગુએરાની રહેવાસી 25 વર્ષીય જેનિફર પેલાસિયોસે જણાવ્યું કે તેમનો 6 વર્ષનો પુત્ર અને પરિવારના અન્ય પાંચ સભ્યો હજુ પણ હ્યૂગો ચાવેઝ હાઉસિંગ કોમ્પ્લેક્સના કાટમાળ નીચે ફસાયેલા છે. તેમણે જણાવ્યું કે લોકોને જીવતા બહાર કાઢવામાં સ્થાનિક લોકોએ મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ મોટા કાટમાળને હટાવવા માટે ક્રેન જેવી ભારે મશીનરીની તાત્કાલિક જરૂર છે.

સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, આ બે ભૂકંપને કારણે વેનેઝુએલાને અંદાજે 6.7 અબજ ડોલરનું સીધું આર્થિક નુકસાન થયું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બીજો ભૂકંપ છેલ્લા એક સદીમાં દેશમાં નોંધાયેલા સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક હતો.

અનેક બહુમાળી ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે અને બચાવ ટીમોને સ્થળોની ઓળખ કરવામાં સરળતા રહે તે માટે ખંડેરો પર ઇમારતોના નામ સ્પ્રે પેઇન્ટથી લખવામાં આવ્યા છે. સ્વયંસેવકો કારાકાસ અને વેલેન્સિયાથી મોટરસાયકલ મારફતે રાહત સામગ્રી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે.


આ પણ વાંચો : વેનેઝુએલામાં આવેલા પ્રચંડ ભૂકંપની અસર દુનિયાના 4 દેશો પર થઈ, મોદી અને ટ્રમ્પની મદદની જાહેરાત

આ પણ વાંચો : વેનેઝુએલામાં 40 સેકન્ડમાં 2 પ્રચંડ ભૂકંપથી મહાતબાહી, હૃદયકંપાવી દે તેવા Video જુઓ…

આ પણ વાંચો : વેનેઝુએલામાં એક જ મિનિટમાં આવ્યા બે વિનાશક ભૂકંપ; 10,000 થી વધુ લોકોના મોતની આશંકા