Telegram Ban Controversy India: NEET-UG પેપર લીક વિવાદ બાદ આગામી 21st તારીખે ફરીથી આ પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ વખતે ફરી પેપર લીક ન થાય અને તેને સોશિયલ મીડિયા પર ફરતું થતું રોકવા માટે કેન્દ્ર સરકારે 22nd તારીખ સુધી ભારતમાં ટેલિગ્રામ (Telegram) એપ્લિકેશન પર આંશિક પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના આ નિર્ણય સામે ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મામલે સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે અને સવાલ કર્યો છે કે, “કેટલાક હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેના નામે દેશના 15 કરોડ ટેલિગ્રામ યૂઝર્સના અધિકારોને કેવી રીતે છીનવી શકાય?”
હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટના ન્યાયાધીશ તેજસ કારિયાએ કેન્દ્ર સરકારની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને પૂછ્યું કે, કેટલાક નાગરિકો પરીક્ષામાં જોડાઈ રહ્યા છે તેના કારણે દેશના તમામ 15 કરોડ યૂઝર્સના રાઈટ્સ કેવી રીતે રોકી શકાય? ટેલિગ્રામના વકીલે દલીલ કરી હતી કે સરકાર એવો દાવો કરે છે કે આ પ્રતિબંધ ભારતની અખંડતા અને સંપ્રભુતાને ધ્યાનમાં રાખીને આઈટી (IT) કાયદા હેઠળ લગાવાયો છે, પણ સવાલ એ છે કે NEET જેવી પરીક્ષા ભારતની અખંડતા પર કેવી રીતે અસર કરી શકે? આ મામલે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે લેખિતમાં સ્પષ્ટતા માંગી છે.
સરકારની દલીલ: Telegram પર પેપર લીકની એક પેટર્ન છે
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટમાં સરકારના પક્ષનો બચાવ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ટેલિગ્રામ પર જે પ્રકારે પેપર લીક જેવી પ્રવૃત્તિઓ થાય છે, તેવી અન્ય કોઈ પ્લેટફોર્મ પર શક્ય જ નથી કારણ કે ટેલિગ્રામ પર એક આખી પેટર્ન કામ કરે છે. ટેલિગ્રામનો એક સિંગલ યૂઝર 40 જેટલા બોટ્સ (Bots) ક્રિએટ કરી શકે છે, જ્યારે WhatsApp માં એક યૂઝર પાસે એક જ બોટ યૂઝર હોય છે. આ ઉપરાંત ટેલિગ્રામની પોલિસી મુજબ જો કોઈ એકાઉન્ટ ડિલીટ થાય, તો તેના મેસેજ અને મીડિયા સ્ટોરેજ સહિતનો તમામ ડેટા કાયમ માટે ગાયબ થઈ જાય છે, જે તપાસ એજન્સીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે.
આતંકી પ્રવૃત્તિઓ માટે પણ ટેલિગ્રામનો ઉપયોગ થવાનો રિપોર્ટ
સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે ટેલિગ્રામ ખુદ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે કંઈ કરી શકતું નથી. રિપોર્ટ્સ અનુસાર, આતંકી પ્રવૃત્તિઓ માટે પણ ટેલિગ્રામનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેના એક સિંગલ ગ્રુપમાં 2 લાખ (2,00,000) સુધીના મેમ્બર્સ જોડાઈ શકે છે અને યૂઝર્સ પોતાનો મોબાઈલ નંબર જાહેર કર્યા વગર પણ આસાનીથી ચેટિંગ કરી શકે છે. હાઈકોર્ટે આ બાબતે ટેલિગ્રામના વકીલને પણ પૂછ્યું હતું કે આટલી બેઠકો યોજાવા છતાં ટેલિગ્રામ દ્વારા અત્યાર સુધી કોઈ સંતોષકારક પગલાં કેમ લેવામાં નથી આવ્યા?
આ પણ વાંચો:પેપર લીક તો બહાનું છે…’, ભારતમાં 15 કરોડ યુઝર્સ બ્લોક થતાં જ ગુસ્સે ભરાયા ટેલિગ્રામના માલિક
આ પણ વાંચો: Telegramના સ્થાપક પાવેલ ડુરોવનો Jio પર ગંભીર આરોપ, ‘ઇન્ટરનેટ હાઇજેકિંગ’નો કર્યો દાવો
આ પણ વાંચો: Telegram પર ‘Re-NEET 2026’ પેપર લીકના નામે મહાકૌભાંડ
