Jio vs Telegram: NEET 2026ની પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે Telegram પર લગાવેલા અસ્થાયી પ્રતિબંધ બાદ Telegramના સ્થાપક પાવેલ ડુરોવે Jio સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં ડુરોવે દાવો કર્યો છે કે Jio દ્વારા Telegramના નેટવર્કને અસર પહોંચાડવા માટે ટેકનિકલ સ્તરે હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ડુરોવના જણાવ્યા મુજબ, Jio કથિત રીતે “BGP Hijacking” જેવી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે. BGP (Border Gateway Protocol) ઇન્ટરનેટ ટ્રાફિકને યોગ્ય માર્ગે મોકલતી મહત્વપૂર્ણ સિસ્ટમ છે. તેમના આક્ષેપ અનુસાર, ઇન્ટરનેટ ટ્રાફિકના રૂટને બદલવાના કારણે ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ Telegramની સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.
પાવેલ ડુરોવે આ સમગ્ર ઘટનાને “બિઝનેસ વોર” ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે Jioમાં Metaની ભાગીદારી હોવાથી WhatsApp, Facebook અને Instagram જેવા પ્લેટફોર્મને ફાયદો પહોંચાડવા Telegram સામે આવી કાર્યવાહી થઈ રહી હોઈ શકે છે. જોકે, આ મામલે Reliance Jio તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ડુરોવે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો કે Telegram પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા માટે કાર્યરત લોબી પાછળ પણ Jio અને WhatsApp જેવા હિતધારકોનો હાથ હોઈ શકે છે. જોકે, આ દાવાઓ અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, NEET 2026ની પુનઃપરીક્ષાના સંદર્ભમાં પ્રશ્નપત્ર લીક થવાની આશંકાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે Telegram પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના જણાવ્યા મુજબ, કેટલાક કિસ્સાઓમાં Telegramનો ઉપયોગ પ્રશ્નપત્ર લીક કરવા માટે થતો હોવાની માહિતી સામે આવી હતી.
આ પ્રતિબંધ અંગે પ્રતિક્રિયા આપતાં ડુરોવે કહ્યું હતું કે આવા પ્રતિબંધોથી મૂળ જવાબદારોને ખાસ અસર થવાની નથી, કારણ કે તેઓ અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ શરૂ કરી દેશે. જ્યારે તેની સીધી અસર કરોડો સામાન્ય Telegram વપરાશકર્તાઓ પર પડશે.
