Ahmedabad News: અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી મુરલીધર ભાજીપાઉં રેસ્ટોરન્ટ (Murlidhar Restaurant) ફરી એકવાર ચર્ચામાં આવી છે. એક ગ્રાહકે દાવો કર્યો છે કે રેસ્ટોરન્ટમાં પીરસાયેલા ભાજીપાઉંના પાઉંમાંથી જીવાત મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
ગ્રાહકના જણાવ્યા મુજબ, તેઓએ પાપડ અને બે ભાજીપાઉંનો ઓર્ડર આપ્યો હતો. ભોજન દરમિયાન અડધું પાઉં ખાધા પછી તેમાં જીવાત હોવાનું ધ્યાનમાં આવ્યું. ત્યારબાદ તેમણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો.
Murlidhar Restaurant: ‘તમારાથી થાય એ કરી લો…’ ગ્રાહકનો આક્ષેપ
ગ્રાહકે વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે તેમણે રેસ્ટોરન્ટ સંચાલકને ફરિયાદ કરી ત્યારે સંતોષકારક જવાબ મળ્યો નહીં. ગ્રાહકના કહેવા પ્રમાણે, દુકાનદાર દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું અને ફરિયાદ અંગે ગંભીરતા દાખવવામાં આવી નહીં. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
ઘટના બાદ ગ્રાહકે AMCના ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટ (Murlidhar Restaurant) માં તપાસ કરી અને પ્રાથમિક કાર્યવાહીરૂપે ₹25,000નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટીને લઈને ચર્ચા તેજ બની છે. કેટલાક લોકોએ માત્ર દંડ પૂરતો ન હોવાનું કહી વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ પણ કરી છે. AMCના ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી નિયમો મુજબ કરવામાં આવશે કે નહીં, તેના પર હવે સૌની નજર છે.
આ પણ વાંચો:વડોદરામાં જાણીતી ફૂડ ચેઈન ડોમિનોઝ પિઝામાં જીવાત નીકળ્યાનો આક્ષેપ, ગ્રાહકનો હોબાળો
આ પણ વાંચો:રાજકોટમાં ફૂડ સેફ્ટી ટીમનો મોટો દરોડો: પીઝા પાર્લરમાં ગંદકી, વાસી ખોરાક અને જીવાતોનો ભંડાફોડ
આ પણ વાંચો:શું તમે પણ મીઠાઈ ખાવાના શોખીન છો તો સાવધાન ! રાજકોટમાં મળી આવ્યું જીવાત વાળું સ્વીટ
