New Delhi News : ભારતમાં જૂન મહિનામાં છૂટક ફુગાવા (Inflation)નો દર (CPI) વધીને 4.38 ટકા નોંધાયો છે. આ સાથે છેલ્લા 17 મહિનામાં પહેલીવાર ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ભારતીય રિઝર્વ બેંક (RBI)ના મધ્યમ ગાળાના 4 ટકાના લક્ષ્યાંકથી ઉપર પહોંચ્યો છે. લાંબા સમયથી નિયંત્રણમાં રહેલો ફુગાવો ફરી એકવાર વધતા સામાન્ય લોકોના ખર્ચ પર તેની અસર જોવા મળી શકે છે.
ફુગાવામાં વધારાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થો અને ઇંધણના વધેલા ભાવ માનવામાં આવી રહ્યા છે. ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર પડી છે, જ્યારે દેશના કેટલાક વિસ્તારોમાં અસમાન ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદન અંગે પણ ચિંતા ઉભી થઈ છે. આ તમામ પરિબળોએ મળીને મોંઘવારીનું દબાણ વધાર્યું છે.
RBIનું મધ્યમ ગાળાનું ફુગાવા (Inflation)નું લક્ષ્ય 4 ટકા છે અને તેમાં 2 ટકાનો ઘટાડો-વધારો સ્વીકાર્ય માનવામાં આવે છે. જોકે 17 મહિનામાં પહેલીવાર ફુગાવો 4 ટકાની સપાટીથી ઉપર જતાં આગામી નાણાકીય નીતિમાં RBI વ્યાજદર અંગે વધુ સાવચેતીપૂર્વક નિર્ણય લઈ શકે છે.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો નહીં થાય અથવા વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો આગામી મહિનાઓમાં પણ ફુગાવાનું દબાણ યથાવત રહી શકે છે. બીજી તરફ, સારો ચોમાસો અને પુરવઠાની સ્થિતિ સુધરે તો મોંઘવારીમાં રાહત મળવાની શક્યતા પણ છે.
