Wholesale Price Index : દેશમાં મોંઘવારીનો દબાણ સતત વધી રહ્યો છે. છૂટક મોંઘવારી બાદ હવે જાહેર થયેલા જથ્થાબંધ ફુગાવા (WPI)ના આંકડાઓએ પણ ચિંતા વધારી છે. જૂન મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને 9.87 ટકા પર પહોંચ્યો છે, જે છેલ્લા 44 મહિનામાં સૌથી ઊંચો સ્તર માનવામાં આવે છે. ગયા વર્ષે જૂન મહિનામાં આ જ દર 0.4 ટકા હતો, એટલે કે એક વર્ષમાં તેમાં 10.27 ટકાનો વધારો નોંધાયો છે.
ઇંધણ અને વીજળીના ભાવમાં 27.4%નો ઉછાળો
ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઉછાળાની સીધી અસર દેશમાં જોવા મળી રહી છે. જૂન દરમિયાન ઇંધણ અને વીજળીના ભાવમાં 27.4 ટકા વધારો નોંધાયો છે. જેના કારણે ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કેમિકલ, રબર, પ્લાસ્ટિક, બેઝિક મેટલ અને ઇલેક્ટ્રિકલ મશીનરી જેવા ક્ષેત્રોમાં ખર્ચ વધી ગયો છે.
ક્રૂડ ઓઈલ ફરી 85 ડોલર નજીક
શાંતિ સમજૂતી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 70 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવ્યો હતો, પરંતુ ફરી તણાવ વધતા ભાવ વધીને લગભગ 85 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા પણ ધૂંધળી બની છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં તૈયાર થતા ઉત્પાદનો જથ્થાબંધ ફુગાવામાં 63 ટકાથી વધુ યોગદાન આપે છે, જ્યારે પેટ્રોલ-ડીઝલના ઉત્પાદન ખર્ચમાં એક વર્ષમાં 46 ટકા કરતાં વધુ વધારો થયો છે.
આગામી મહિનાઓમાં પણ મોંઘવારી યથાવત રહેવાની શક્યતા
એસબીઆઈના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્યકાંતિ ઘોષ અને બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસના મતે ક્રૂડ ઓઈલ અને અન્ય કાચા માલના વધેલા ભાવને કારણે આગામી કેટલાક મહિનાઓ સુધી જથ્થાબંધ ફુગાવો 10 ટકાની આસપાસ અથવા તેનાથી વધુ રહેવાની શક્યતા છે.
નબળા ચોમાસાથી ખરીફ વાવણી પર અસર
મોંઘવારી વચ્ચે કૃષિ ક્ષેત્ર માટે પણ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ નબળા ચોમાસાને કારણે 13 જુલાઈ સુધી ખરીફ પાકની કુલ વાવણી માત્ર 48.1 ટકા થઈ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 57.7 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ હતી. એટલે કે વાવણીમાં 9.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
અનેક પાકોની વાવણીમાં ઘટાડો
આંકડા મુજબ મકાઈ, કઠોળ, સોયાબીન, તેલીબિયાં અને બરછટ અનાજ સહિત અનેક મુખ્ય પાકોની વાવણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 13 જુલાઈ સુધી દેશમાં સામાન્ય કરતાં 19.3 ટકા ઓછો વરસાદ નોંધાયો છે અને જળાશયોમાં પણ પાણીનો જથ્થો સરેરાશ કરતાં ઓછો હોવાથી કૃષિ ઉત્પાદન પર અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો કૃષિ ઉત્પાદન અને ખાદ્ય મોંઘવારી પર તેની વધુ અસર જોવા મળી શકે છે.
