દેશમાં મોંઘવારી ફરી એકવાર ચિંતાનો વિષય બની છે. જૂન 2026માં રિટેલ ફુગાવો (Retail Inflation) વધીને 4.38 ટકા પર પહોંચતાં ભારતીય રિઝર્વ બેંક (RBI) માટે વ્યાજ દરોને લઈને નવી પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે. મોંઘવારી RBIના 4 ટકાના લક્ષ્યાંકને વટાવી જતાં હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર થશે કે પછી હાલની સ્થિતિ યથાવત રાખવામાં આવશે. આ નિર્ણયની સીધી અસર હોમ લોન, કાર લોન, પર્સનલ લોનની EMI તેમજ સામાન્ય લોકોના માસિક બજેટ પર પડી શકે છે.
જૂનમાં રિટેલ મોંઘવારી (Retail Inflation) 4.38 ટકા પર પહોંચી
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જૂન 2026માં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી દર વધીને 4.38 ટકા થયો છે. મે મહિનામાં આ દર 3.93 ટકા હતો. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાના કારણે મોંઘવારીમાં વધારો નોંધાયો છે. ખાદ્ય મોંઘવારી મે મહિનાના 4.78 ટકાથી વધીને જૂનમાં 5.32 ટકા થઈ ગઈ છે. ચાંદી, સોનું, હીરા-પ્લેટિનમના દાગીના, આદુ, ટામેટાં અને કિસમિસ જેવી ચીજવસ્તુઓના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.
RBIના 4 ટકા લક્ષ્યાંકથી ઉપર જવાનો અર્થ શું?
ભારતીય રિઝર્વ બેંકને સરકાર દ્વારા મોંઘવારીને 4 ટકા (±2 ટકા) ની મર્યાદામાં રાખવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. 4 ટકા એ આદર્શ સ્તર માનવામાં આવે છે. મોંઘવારી આ મર્યાદા વટાવે ત્યારે તે સંકેત આપે છે કે બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણ અથવા અન્ય આવશ્યક વસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં RBI સામાન્ય રીતે વ્યાજ દર ઘટાડવામાં ઉતાવળ કરતું નથી, કારણ કે મોંઘવારી વધુ વધવાનો ભય રહે છે.
શું હવે હોમ લોન અને EMI સસ્તી નહીં થાય?
છેલ્લા કેટલાક સમયથી બજારમાં એવી અપેક્ષા હતી કે જો મોંઘવારી નિયંત્રણમાં રહેશે તો RBI રેપો રેટ (Repo Rate)માં ઘટાડો કરી શકે છે. પરંતુ હવે મોંઘવારી ફરી 4 ટકાથી ઉપર જતા આ આશાને મોટો ઝટકો લાગ્યો છે. જો RBI વ્યાજ દરોમાં ઘટાડો નહીં કરે તો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMIમાં રાહત મળવાની શક્યતા ઓછી રહેશે. બીજી તરફ, જો આગામી મહિનાઓમાં મોંઘવારી વધુ વધશે તો વ્યાજ દરોમાં વધારો કરવાની જરૂરિયાત પણ ઊભી થઈ શકે છે, જેના કારણે નવી લોન લેવી વધુ મોંઘી બની શકે છે.
RBI સામે બે મોટા પડકાર
એક તરફ મોંઘવારીને નિયંત્રણમાં રાખવી જરૂરી છે, કારણ કે સતત વધતા ભાવ સામાન્ય લોકોના જીવન પર સીધી અસર કરે છે. જો મોંઘવારી વધુ વધે તો RBI બજારમાં નાણાંનો પ્રવાહ ઘટાડવા માટે રેપો રેટમાં વધારો કરી શકે છે.
બીજી તરફ વ્યાજ દર વધારવાથી લોન મોંઘી બનશે અને લોકોના ખર્ચ કરવાની ક્ષમતા ઘટી શકે છે. પરિણામે આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાનો ભય રહે છે. તેથી RBI માટે મોંઘવારી અને આર્થિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર છે.
તમારી ખિસ્સા પર શું પડશે અસર?
જો RBI હાલની નીતિ યથાવત રાખે તો હાલની EMIમાં તાત્કાલિક કોઈ ફેરફાર નહીં થાય. જોકે, વ્યાજ દરમાં ઘટાડાની આશા રાખતા લાખો હોમ લોન ધારકોને હજુ રાહ જોવી પડશે. બીજી તરફ, જો ભવિષ્યમાં વ્યાજ દરો ઊંચા જળવાઈ રહેશે તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરનારા અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજનો લાભ મળી શકે છે. આથી લોન લેનારાઓ માટે આ સ્થિતિ પડકારરૂપ બની શકે છે, જ્યારે FD રોકાણકારો માટે તે લાભદાયક સાબિત થઈ શકે છે.
ક્રૂડ ઓઈલ અને ચોમાસા પર રહેશે RBIની નજર
નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી મહિનાઓમાં બે પરિબળો સૌથી વધુ મહત્વના રહેશે. પ્રથમ, મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન સહિતના ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. જો તેલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો પરિવહન ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વધતાં મોંઘવારી વધુ વધી શકે છે.
બીજું, દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસું અસમાન રહ્યું છે. જો ખરીફ પાક પર તેની અસર પડશે તો વર્ષના અંત સુધી ખાદ્ય મોંઘવારી વધુ વધી શકે છે. જોકે સરકાર પાસે પૂરતો બફર સ્ટોક અને સુધારેલી સપ્લાય ચેઇન હોવાને કારણે અગાઉની સરખામણીએ સ્થિતિ વધુ નિયંત્રણમાં રહી શકે છે.
નિષ્ણાતો શું માને છે?
મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે RBI તાત્કાલિક રેપો રેટમાં વધારો કરશે તેવી શક્યતા ઓછી છે. હાલ કેન્દ્રીય બેંક “વેટ એન્ડ વોચ” ની નીતિ અપનાવી શકે છે. હાલની મોંઘવારી મુખ્યત્વે સપ્લાય સંબંધિત કારણોસર વધી છે, જ્યારે અર્થવ્યવસ્થામાં માંગ (Core Demand) હજુ નબળી છે. તેથી RBI હાલ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરે તેવી સંભાવના વધુ છે. હવે બજારની નજર RBIની આગામી મોનેટરી પોલિસી બેઠક પર છે, કારણ કે ત્યાં લેવાયેલા નિર્ણયથી લાખો લોનધારકોની EMI અને દેશની આર્થિક દિશા નક્કી થશે.
આ પણ વાંચો:ઈરાન યુદ્ધના લીધે ભારતમાં મોંઘવારી વધશે અને GDP ગ્રોથ ઘટશે, RBI એ જાહેર કર્યો નવો રિપોર્ટ
આ પણ વાંચો:આજથી ભારતમાં દૂધ મોંઘુ થયું… અમૂલ,મધર ડેરીએ મોંઘવારીનો ઝટકો!
