Vadodara News : વડોદરા (Vadodara)ના આજવા રોડ વિસ્તારમાં આવેલી લીલાબા નગર સોસાયટીમાં જૂની અદાવતને લઈને શનિવારે મોડી રાત્રે હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક સ્કોર્પિયો કાર (Scorpio Car)ના ચાલકે સ્થાનિક યુવકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચા જામી છે. આ ઘટના વડોદરાના આજવા રોડ પર આવેલા લીલા બા નગરમાં બની હતી.
અગાઉ સમાધાન છતાં ફરી વિવાદ
મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં સ્થાનિક યુવકો વચ્ચે થયેલી બોલાચાલી અને મારામારીનો મામલો બાપોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોના વડીલોએ મધ્યસ્થતા કરીને મામલો સમાધાનથી પૂર્ણ કરાવ્યો હતો. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ સમાધાન બાદ પણ એક પક્ષ તરફથી સતત ધમકીઓ આપવામાં આવતી હતી.
યુવકો પર બે વખત કાર ચડાવવાનો પ્રયાસ

સ્થાનિકોના આક્ષેપ મુજબ, મોડી રાત્રે સ્કોર્પિયો કાર ((Scorpio Car))નો ચાલક સોસાયટીમાં ધસી આવ્યો હતો અને રસ્તા પર બેઠેલા યુવકો તરફ પૂરપાટ ઝડપે કાર દોડાવી હતી. યુવકો જીવ બચાવવા દોડ્યા બાદ પણ ચાલકે કાર રિવર્સ લઈને ફરી તેમની તરફ દોડાવી હોવાનું સામે આવ્યું છે.
બચાવમાં સ્થાનિકોએ કર્યો પથ્થરમારો
ઘટનાથી ભયભીત બનેલા સ્થાનિકોએ પોતાના બચાવ માટે સ્કોર્પિયો કાર પર પથ્થરમારો કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગીચ વિસ્તારમાં બેફામ રીતે કાર દોડાવવાના બનાવે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જ્યો છે.
વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video)થતાં પોલીસે પણ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. બાપોદ પોલીસના જણાવ્યા મુજબ વાયરલ વીડિયો અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે આપી કાર્યવાહી કરવાની ખાતરી
બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોરે જણાવ્યું કે, અગાઉ બંને પક્ષો વચ્ચે થયેલો વિવાદ સમાધાનથી પૂર્ણ થયો હતો. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોની તપાસ ચાલી રહી છે અને કાયદો હાથમાં લેનારા તમામ લોકો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
