Vadodara News: વડોદરાના કાળાઘોડા વિસ્તાર પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી ઐતિહાસિક શ્રી યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટ (Yavateshwar Mahadev Temple)ની જમીન પર વર્ષોથી ચાલતો વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અને સ્ટેટસ ક્વો પૂર્ણ થયા બાદ વહીવટી તંત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રસ્ટની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અધિકારીઓની હાજરીમાં જેસીબીની મદદથી કંપાઉન્ડમાં ઉભા કરાયેલા શોરૂમ, અન્ય બાંધકામો અને કબજાઓ દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.
Yavateshwar Mahadev Temple: હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ કાર્યવાહી
શ્રી યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટ (Yavateshwar Mahadev Temple)ની માલિકીની ગણાતી આશરે 1.39 લાખ ચોરસ મીટર જમીન અંગે છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. જમીન પર કેટલાક વ્યક્તિઓએ માલિકીનો દાવો કરતાં મામલો ચેરીટી કમિશનરથી લઈને ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે તમામ દાવેદારોની અપીલો ફગાવી ટ્રસ્ટના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ સ્ટેટસ ક્વો પૂર્ણ થતાં જિલ્લા વહીવટી તંત્રે પ્રથમ તબક્કે સમગ્ર જમીનની ફેન્સિંગ કરી અને પછી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી.
શોરૂમ, ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતના બાંધકામો હટાવાયા
યવતેશ્વર કંપાઉન્ડમાં વર્ષોથી વિવિધ પ્રકારના કબજાઓ કરવામાં આવ્યા હતા. તેમાં વ્યાવસાયિક શોરૂમ, ક્રિકેટ માટે તૈયાર કરાયેલ મેદાન તેમજ અન્ય બાંધકામોનો સમાવેશ થતો હતો.વહીવટી તંત્રે પોલીસ સુરક્ષા વચ્ચે જેસીબી અને અન્ય મશીનરીની મદદથી તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સવારથી જ વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
દબાણ દૂર કરવાની કાર્યવાહી પહેલાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારીઓ, નાયબ મામલતદારો અને દબાણ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક બાદ સંબંધિત લોકોને સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે કેટલાક રહેવાસીઓએ વધુ સમયની માંગ કરી હતી, તેમ છતાં હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને કાર્યવાહી યથાવત રાખવામાં આવી.
ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા
કાર્યવાહી દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેક્ટર બી.એસ. પટેલ, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. અધિકારીઓએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
35 વર્ષ જૂનો વિવાદ શું હતો?
શ્રી યવતેશ્વર મહાદેવ મંદિર (Yavateshwar Mahadev Temple) ગાયકવાડ શાસનકાળના અંતિમ 18મી સદીનું ઐતિહાસિક મંદિર માનવામાં આવે છે. મંદિર સાથે જોડાયેલી કિંમતી જમીન પર પૂર્વ વડોદરા રાજવી પરિવાર અને કેટલાક ખરીદદારો માલિકીનો દાવો કરતા હતા.
બીજી તરફ, આ જમીન જાહેર ટ્રસ્ટની મિલકત હોવાનું ટ્રસ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ચેરીટી કમિશનર કચેરીથી લઈને ગુજરાત હાઇકોર્ટ સુધી 35 વર્ષથી વધુ સમય સુધી કાનૂની લડત ચાલી હતી.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ તમામ ખાનગી દાવાઓ ફગાવી સ્પષ્ટ કર્યું કે વિવાદિત જમીન શ્રી યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટ (Yavateshwar Mahadev Temple)ની જ મિલકત છે અને તેનું સંચાલન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો:ઇસનપુરના આંબા તળાવ પર AMCનો બુલડોઝર, 160થી વધુ દબાણો દૂર કરાશે
આ પણ વાંચો:અંબાજીમાં ₹1632 કરોડના પ્રોજેક્ટનું કામ તેજ, અનેક દબાણો દૂર કરાયા
