Gujarat News : ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain)ની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી આગામી 48 કલાક અને ત્યારબાદ 24થી 27 જુલાઈ વચ્ચે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વધુ અસર
અંબાલાલ પટેલ (Ambalal Patel)ના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain Aler)પડી શકે છે. ઉપરાંત ગોધરા, લુણાવાડા, દાહોદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે.
નદીઓમાં વધશે પાણીની આવક
મધ્યપ્રદેશ અને બંગાળની ખાડી તરફથી સક્રિય બનેલી સિસ્ટમના કારણે નર્મદા સહિત ગુજરાતની મુખ્ય નદીઓમાં પાણીની આવક વધવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધતા સાબરમતી સહિત અન્ય નદીઓમાં પણ નવા નીર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતોને અપાઈ ખાસ સલાહ
આગામી દિવસોમાં ભારે વરસાદ (Rain)ની શક્યતાને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ ન રહે તે માટે ડ્રેનેજની પૂરતી વ્યવસ્થા અગાઉથી કરી લેવાની સલાહ આપી છે. સમયસર પાણીનો નિકાલ કરવામાં આવશે તો પાકને નુકસાનથી બચાવી શકાય છે.
30 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે વધુ એક વરસાદી રાઉન્ડ
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જુલાઈના અંતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વ્યાપક વરસાદ થવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
