Nepal News: ભારત અને નેપાળ વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે નેપાળ સરકારે ફરી એક વખત એવો નિર્ણય લીધો છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સરકારે 1 રૂપિયાના (Nepal 1 Rupee Coin) સિક્કા પરથી વિવાદિત રાષ્ટ્રીય નકશો દૂર કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. તેના બદલે નવા સિક્કામાં બૌદ્ધ વારસાનું પ્રતિક એવા લો ઘેકર મઠની તસવીર સાથે વિવાદિત નકશો પણ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિવાદિત નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવાયો
નેપાળ રાષ્ટ્ર બેંકે શરૂઆતમાં 1 રૂપિયાના (Nepal 1 Rupee Coin) સિક્કા પરથી વિવાદિત નકશો દૂર કરીને તેની જગ્યાએ અપર મુસ્તાંગ સ્થિત ઐતિહાસિક લો ઘેકર મઠની તસવીર મૂકવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જોકે આ માહિતી જાહેર થતાં જ દેશમાં વિવિધ સ્તરે વિરોધ નોંધાયો. ત્યારબાદ સરકારે ડિઝાઇનમાં ફેરફાર કરીને મઠની તસવીર સાથે રાષ્ટ્રીય નકશાને પણ યથાવત રાખવા સૂચના આપી છે.

ભારતના ત્રણ વિસ્તારોને નેપાળ પોતાના નકશામાં દર્શાવે છે
વિવાદનું મુખ્ય કારણ એ છે કે નેપાળ પોતાના સત્તાવાર નકશામાં (India Nepal Border Dispute) ઉત્તરાખંડના (Lipulekh Dispute) લિપુલેખ, કાલાપાની (Kalapani Dispute) અને લિમ્પિયાધુરા વિસ્તારોને પોતાના પ્રદેશ તરીકે દર્શાવે છે. ભારત આ ત્રણેય વિસ્તારોને પોતાનો અભિન્ન ભાગ ગણાવે છે અને આ મુદ્દે નેપાળના દાવાને સ્વીકારતું નથી. બંને દેશો લાંબા સમયથી રાજદ્વારી ચર્ચા દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બૌદ્ધ વારસાને સ્થાન આપવાનો પ્રયાસ
અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા સિક્કાની ડિઝાઇન પાછળનો મૂળ હેતુ નેપાળના બૌદ્ધ વારસાને વધુ મહત્વ આપવાનો હતો. દેશની ઘણી નોટો અને સિક્કાઓ પર પહેલેથી જ પશુપતિનાથ મંદિર, જાનકી મંદિર સહિતના હિન્દુ ધાર્મિક સ્થળો દર્શાવવામાં આવ્યા છે. તેથી આ વખતે અપર મુસ્તાંગમાં આવેલો ઐતિહાસિક લો ઘેકર મઠ પસંદ કરવામાં આવ્યો હતો, જેથી સાંસ્કૃતિક વારસાની સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળી શકે.અપર મુસ્તાંગમાં આવેલો લો ઘેકર મઠ નેપાળના સૌથી પ્રાચીન બૌદ્ધ મઠોમાંનો એક માનવામાં આવે છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ તેની સ્થાપના આશરે આઠમી સદીમાં ગુરુ પદ્મસંભવ દ્વારા કરવામાં આવી હતી. હિમાલયી બૌદ્ધ પરંપરામાં આ મઠને વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ આપવામાં આવે છે.
1 રૂપિયાનો સિક્કો બનાવવામાં ખર્ચ વધુ
નેપાળ રાષ્ટ્ર બેંક હાલમાં 1 રૂપિયાના(Nepal 1 Rupee Coin) સિક્કાની ધાતુ અને વજનમાં ફેરફાર કરવાની તૈયારી પણ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ એક રૂપિયાનો સિક્કો બનાવવામાં તેની કિંમત કરતાં વધુ ખર્ચ થાય છે. ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે નવા સિક્કાનું વજન ઓછું કરવામાં આવશે, જેથી લાંબા ગાળે સરકાર પરનો આર્થિક બોજ ઓછો થઈ શકે.
10 રૂપિયાના સિક્કામાં પણ થશે ફેરફાર
સરકાર 10 રૂપિયાના સિક્કાની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નવા પ્રસ્તાવ મુજબ દૈલેખ જિલ્લામાં આવેલા ઐતિહાસિક ભૂર્તિ દેવલ મંદિર સમૂહને સિક્કા પર સ્થાન આપવામાં આવી શકે છે. આ મંદિર સમૂહ મધ્યયુગીન સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતિક માનવામાં આવે છે.નેપાળમાં કોઈપણ નવી નોટ અથવા સિક્કાની ડિઝાઇન અમલમાં મૂકતા પહેલાં અનેક તબક્કાની મંજૂરી લેવી પડે છે. સૌથી પહેલા ડિઝાઇન સમિતિ પ્રસ્તાવ તૈયાર કરે છે, ત્યારબાદ નેપાળ રાષ્ટ્ર બેંકનું બોર્ડ તેની સમીક્ષા કરે છે. અંતે નાણાં મંત્રાલય મારફતે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ નવી ડિઝાઇનવાળી નોટ અથવા સિક્કાનું ઉત્પાદન શરૂ થાય છે.
2020થી શરૂ થયો હતો સરહદી વિવાદ
વર્ષ 2020માં ભારતે ઉત્તરાખંડના લિપુલેખ માર્ગનું ઉદ્ઘાટન કર્યા બાદ નેપાળે વિરોધ (India Nepal Relations) નોંધાવ્યો હતો. ત્યારબાદ નેપાળે નવો રાજકીય નકશો જાહેર કરીને કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાના વિસ્તાર તરીકે દર્શાવ્યા હતા. બાદમાં આ નકશાને બંધારણીય માન્યતા પણ આપવામાં આવી હતી અને ત્યારથી તે સરકારી દસ્તાવેજો, પાઠ્યપુસ્તકો, ચલણી નોટો અને સિક્કાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.ભારત સતત સ્પષ્ટ કરતું આવ્યું છે કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા ભારતીય ભૂમિનો ભાગ છે. ભારતનું માનવું છે કે સરહદી વિવાદનો ઉકેલ બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત દ્વારા જ આવવો જોઈએ અને એકતરફી રીતે નકશામાં ફેરફાર કરવાથી સમસ્યાનું સમાધાન શક્ય નથી.
આ પણ વાંચો: કર્ણાટકમાં જિપલાઇનનો રોમાંચ બન્યો જીવલેણ: દોરડું તૂટતાં 40 ફૂટ ઊંચાઈથી પટકાયો યુવક
આ પણ વાંચો: દિલ્હીની GTB હોસ્પિટલમાં દર્દી પર પંખો પડતાં મોત
