શ્રાવણ (Shravan)માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવતી શ્રાવણ શિવરાત્રિ ભોલેનાથના ભક્તો માટે અત્યંત આસ્થાનું પર્વ છે. વર્ષ 2026 માં આ પવિત્ર તિથિ 11 ઓગસ્ટના રોજ આવી રહી છે. જ્યોતિષ અને દ્રિક પંચાંગના ગણિત અનુસાર, આ વર્ષે ચતુર્દશી તિથિ 11 ઓગસ્ટે પ્રભાતે 4:54 કલાકે પ્રારંભ થઈને 12 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિ બાદ 1:52 કલાકે પૂર્ણ થશે.
શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ, શિવરાત્રિના પાવન અવસરે નિશીથ કાળ અને રાત્રિના ચારેય પ્રહરની પૂજાનું અતિ વિશેષ ફળ રહેલું છે. ચારેય પ્રહરનો સંયોગ 11 ઓગસ્ટની રાત્રે જ પ્રાપ્ત થતો હોવાથી, આ પર્વની ઉજવણી 11 ઓગસ્ટે જ શાસ્ત્રોક્ત અને શ્રેષ્ઠ ગણવામાં આવી છે.
આ પવિત્ર દિવસે દેશભરના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠશે. ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળ, પંચામૃત, ગંગાજળ, બિલિપત્ર, ધતુરો અને ભાંગ અર્પિત કરીને જળાભિષેક કરશે. અનંત ફળની પ્રાપ્તિ માટે અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે નિર્જળા અથવા ફળાહારી વ્રત-ઉપવાસ પણ રાખશે.
ચાર પ્રહરની પૂજાના શુભ સમય (પૂજા મુહૂર્ત)
પ્રથમ પ્રહર પૂજા: સાંજે 07:04 વાગ્યાથી રાત્રે 09:45 વાગ્યા સુધી
દ્વિતીય પ્રહર પૂજા: રાત્રે 09:45 વાગ્યાથી મધ્યરાત્રિ 12:26 વાગ્યા સુધી
તૃતીય પ્રહર પૂજા: મધ્યરાત્રિ 12:26 વાગ્યાથી પરોઢે 03:07 વાગ્યા સુધી
ચતુર્થ પ્રહર પૂજા: પરોઢે 03:07 વાગ્યાથી સવારે 05:49 વાગ્યા સુધી
પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ
શ્રાવણ શિવરાત્રિના પ્રભાતે સૂર્યોદય પહેલાં સ્નાન આટોપીને શિવ આરાધના અને વ્રતનો નિર્ધાર કરવો. ઘરના દેવસ્થાનમાં કે નજીકના શિવાલયમાં જઈને શિવપરિવારની વિધિવત અર્ચના કરવી. શિવલિંગ પર રુદ્રાભિષેક કરવો તેમજ પૂજા દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’, મહામૃત્યુંજય મંત્ર કે શિવ ચાલીસાનો પાઠ કરવો અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે.
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:શ્રીકૃષ્ણે દુર્યોધનનું ભોજન કેમ ઠુકરાવ્યું? મહાભારતનો આ પ્રસંગ તમારી વિચારવાની રીત બદલી નાખશે!
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકો માટે આવી રહી છે મોટી સફળતા… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
