Surendranagar News/ હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ સમયસર બચાવ્યો જીવ

હકાભા ગઢવી (Hakabha Gadhvi)બૈસાબગઢ ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા

Gujarat Others
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બૈસાબગઢ નજીક લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi)એક ગંભીર અકસ્માત (Accident)માં માંડ-માંડ બચ્યા હતા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બૈસાબગઢ નજીક લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi)એક ગંભીર અકસ્માત (Accident)માં માંડ-માંડ બચ્યા હતા. મોડી રાત્રે તેમની ફોર્ચ્યુનર કાર અચાનક નદીમાં ખાબકી જતા કારમાં પાણી ભરાઈ ગયું હતું. દરવાજો ન ખુલી શકતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ બારીમાંથી બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સાપને બચાવતાં અકસ્માત સર્જાયો

મળતી માહિતી મુજબ, હકાભા ગઢવી (Hakabha Gadhvi)બૈસાબગઢ ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ એક વાગ્યે રસ્તા પર અચાનક સાપ આવી જતા તેને બચાવવા માટે તેમણે સ્ટિયરિંગ ફેરવ્યું હતું. જોકે, સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેમની કાર સીધી નદીમાં ખાબકી ગઈ. તે સમયે તેમની સાથે એક મિત્ર પણ કારમાં હાજર હતા.

કારમાં પાણી ભરાતાં દરવાજો ન ખુલ્યો

કાર નદીમાં પડતાં જ અંદર પાણી ભરાવા લાગ્યું અને વાહનનો મોટો ભાગ પાણીમાં ડૂબી ગયો. સ્થાનિકોએ તાત્કાલિક સ્થળે પહોંચી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણીના દબાણને કારણે દરવાજો ખુલ્યો નહોતો. ત્યારબાદ કારની બારી ખુલ્લી હોવાથી સ્થાનિકોએ ભારે મહેનત કરીને હકાભા ગઢવી અને તેમના સાથીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

સ્થાનિકોની સતર્કતાથી બચ્યો જીવ

જો સ્થાનિકો સમયસર ઘટનાસ્થળે ન પહોંચ્યા હોત તો મોટો અકસ્માત (Accident)સર્જાઈ શક્યો હોત. તેમની સતર્કતા અને બહાદુરીના કારણે હકાભા ગઢવીનો જીવ બચી ગયો હતો. હાલ બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

સંઘર્ષમાંથી ઊભેલા લોકપ્રિય કલાકાર

હકાભા ગઢવીનું મૂળ નામ મનહરદાન ચંદુભાઈ ગઢવી છે. વર્ષ 1976માં હળવદ તાલુકાના સરંભડા ગામમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં જ માતા-પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમણે ઘંટી ચલાવી, મજૂરી કરીને જીવન જીવ્યું. વર્ષ 2001માં તેમને પ્રથમ વખત લોકડાયરામાં કાર્યક્રમ કરવાની તક મળી હતી. ત્યારથી તેમની લોકપ્રિયતા સતત વધી અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ગુજરાતના સૌથી લોકપ્રિય હાસ્ય કલાકારોમાં સ્થાન મેળવી ચૂક્યા છે. માત્ર સાત વર્ષમાં તેમણે 1700થી વધુ નાના-મોટા લોકડાયરા અને સ્ટેજ કાર્યક્રમો કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.


આ પણ વાંચો : વડોદરા પાણીગેટમાં તૂટેલા ગટરના ઢાંકણામાં રિક્ષા ખાબકી, ચાલકનો આબાદ બચાવ; પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ

આ પણ વાંચો : કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીને તો બચાવી લેવાઈ, પણ બચાવવા કૂદેલા 5 યુવકોના કરૂણ મોત

આ પણ વાંચો : ગાંધીનગરમાં અકસ્માત : રિક્ષા નદીમાં ખાબકતા ચાલકનું મોત