Jamnagar News: દેશભરમાં NEET પેપર લીક મુદ્દે ચર્ચા હજુ શમી નથી ત્યાં ગુજરાતની જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી (Jamnagar Ayurveda University)માં પણ પરીક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટી હેઠળ યોજાયેલી BAMS (બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરી) ત્રીજા વર્ષની ‘શલ્ય તંત્ર’ વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાનો આક્ષેપ થતાં શિક્ષણ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
Jamnagar Ayurveda University:વોટ્સએપ પર ફર્યા પ્રશ્નો
મળતી માહિતી મુજબ, પરીક્ષામાં પૂછાયેલા કુલ 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો પરીક્ષા પહેલાં જ વોટ્સએપ પર ફરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને આ અંગે જાણ થતાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો.
ઘટના સામે આવ્યા બાદ યુનિવર્સિટી (Jamnagar Ayurveda University) તંત્રે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. જોકે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે અગાઉ પણ આવી ઘટનાઓમાં તપાસના નામે માત્ર ઔપચારિક કાર્યવાહી કરવામાં આવી હતી. તેથી આ વખતે પણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થશે કે નહીં તે અંગે વિદ્યાર્થીઓમાં શંકા જોવા મળી રહી છે.
આ ઘટનાએ યુનિવર્સિટી (Jamnagar Ayurveda University)ની પરીક્ષા વ્યવસ્થા, પ્રશ્નપત્રની સુરક્ષા અને ગોપનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભવિષ્યના આયુર્વેદિક તબીબોને તૈયાર કરતી પરીક્ષાઓમાં આવી બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું અને તેમાં કોણ જવાબદાર છે તે અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
આ પણ વાંચો:NEET પેપર લીક પર મોદી સરકારનો મોટો એક્શન પ્લાન: 10 વર્ષની જેલ અને 10 કરોડના દંડની તૈયારી
