India News: કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026) માં ભારત માટે સોમવાર ઐતિહાસિક દિવસ સાબિત થયો. પેરા શોટ પુટમાં શર્મિલા ધનખડે ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું, જ્યારે હાઈ જમ્પમાં સર્વેશ કુશારેએ સિલ્વર જીતતા ભારતના એથ્લેટિક્સ ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો. વેઈટલિફ્ટિંગ અને પેરા સ્પર્ધાઓમાં પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ભારતના મેડલ ટેલીમાં નોંધપાત્ર વધારો કર્યો.
Commonwealth Games 2026
ભારતની પેરા એથ્લેટ શર્મિલા ધનખડે મહિલાઓની પેરા શોટ પુટ F57 સ્પર્ધામાં 9.81 મીટરનો સિઝનનો શ્રેષ્ઠ થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો.

આ સાથે કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)માં ભારતને બીજો ગોલ્ડ મળ્યો. આ જ ઇવેન્ટમાં શિલ્પા કે. શાયલાએ બ્રોન્ઝ મેડલ જીતતા ભારતે ડબલ સફળતા મેળવી. શર્મિલાની સફળતા પાછળ સંઘર્ષની લાંબી કહાની છે. બાળપણમાં પોલિયોના કારણે એક પગ પ્રભાવિત થયો, આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઘર વેચીને તાલીમ લીધી અને આખરે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કર્યું.
સર્વેશ કુશારેએ રચ્યો ઇતિહાસ

પુરુષોની હાઈ જમ્પમાં સર્વેશ કુશારે (Sarvesh Kushare)એ 2.25 મીટરનો કૂદકો લગાવી સિલ્વર મેડલ જીત્યો. તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં હાઈ જમ્પમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. થોડા સમય પહેલાં જ તેમણે ડાયમંડ લીગમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો અને રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વેઈટલિફ્ટિંગમાં અજય બાબુ વલ્લુરીએ 79 કિલોગ્રામ વર્ગમાં કુલ 330 કિલોગ્રામ વજન ઉઠાવી સિલ્વર જીત્યો. તેઓ ગોલ્ડથી માત્ર એક કિલોગ્રામ પાછળ રહ્યા. જ્ઞાનેશ્વરી યાદવે મહિલાઓની 53 કિલોગ્રામ સ્પર્ધામાં સિલ્વર જીત્યો, જ્યારે બિંદિયારાણી દેવીએ 58 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેળવી ભારતના મેડલમાં વધારો કર્યો.
શિલ્પાને મળ્યો બ્રોન્ઝ, મેડલ ટેલીમાં ભારતની મજબૂત સ્થિતિ
શિલ્પા શાયલાનો બ્રોન્ઝ મેડલ શરૂઆતમાં નિશ્ચિત નહોતો. નાઇજીરીયાની ખેલાડીના થ્રો અંગે ભારતે વાંધો નોંધાવ્યો હતો. સમીક્ષા બાદ તે થ્રો ફાઉલ જાહેર થતાં શિલ્પાને ત્રીજું સ્થાન અને બ્રોન્ઝ મેડલ મળ્યો. પરિણામ જાહેર થતાં શિલ્પા ભાવુક બની ગઈ હતી. ભારત હવે કુલ 10 મેડલ સાથે મેડલ ટેલીમાં આઠમા સ્થાને પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયા 26 ગોલ્ડ સહિત કુલ 59 મેડલ સાથે ટોચ પર છે.
બોક્સિંગ, સ્વિમિંગ અને એથ્લેટિક્સમાં પણ ભારતની આશા જીવંત
ભારતીય બોક્સર સચિન સિવાચ અને અંકુશે પોતાના મુકાબલા જીતી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. મુરલી શ્રીશંકર અને લોકેશ સત્યાનાથ લોંગ જમ્પ ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે સ્વિમિંગમાં સાજન પ્રકાશ અને આર્યન નેહરાએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું.
જોકે તેજસ શિરસે 110 મીટર હર્ડલ્સમાં આઠમા સ્થાને રહ્યા અને ગુરિંદરવીર સિંહ સેમિફાઇનલમાં પહોંચી શક્યા નહીં. તેમ છતાં ભારત માટે એથ્લેટિક્સ અને બોક્સિંગમાં વધુ મેડલની આશા યથાવત છે.
આ પણ વાંચો: CWG 2026: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની નવી મેડલ મિશન, અત્યાર સુધી જીત્યા છે 564 મેડલ
આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સ 2026: ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓ રચશે ઈતિહાસ; જાણો 126 એથ્લીટ્સનું સંપૂર્ણ શેડ્યૂલ
