વરસાદની મોસમ ગરમીથી રાહત અપાવે છે, પરંતુ તેની સાથે ઘરમાં મચ્છર, માખી (mosquitoes-flies)ઓ અને અન્ય કીટકોનો ઉપદ્રવ પણ ઝડપથી વધવા લાગે છે. આસપાસ ભરાયેલા પાણી, વાતાવરણમાં ભેજ અને ખુલ્લા ખાદ્યપદાર્થોને કારણે આ જીવજંતુઓ ઘરમાં પ્રવેશ કરે છે. મચ્છરોની વિવિધ પ્રજાતિઓ મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો ફેલાવી શકે છે. આ સંજોગોમાં ચોમાસા દરમિયાન ઘરની સ્વચ્છતા જાળવવાની સાથે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય બની જાય છે.
ઘરની આસપાસ ભરાતા પાણીનો નિકાલ કરો
મચ્છરોને ઘરમાં આવતા અટકાવવા માટે સૌથી પહેલાં એકત્રિત થતા પાણી પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના માર્ગદર્શન મુજબ, ડેન્ગ્યૂ ફેલાવતા એડીસ મચ્છર સ્વચ્છ અને સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે. આથી ઘરમાં રહેલા કૂલર, ડોલ, કુંડાની નિચલી ટ્રે કે એસી ટ્રેમાં લાંબા સમય સુધી પાણી એકઠું ન થવા દો. પાણીના વાસણો હંમેશા ઢાંકીને રાખો અને નિયમિત સાફ કરો. વરસાદ બાદ છત કે બાલ્કનીમાં પડેલી નકામી વસ્તુઓમાં ભરાતા પાણીની પણ નિયમિત ચકાસણી કરવી જોઈએ.
સાંજના સમયે દરવાજા અને બારીઓ બંધ રાખો
ઘર ગમે તેટલું સાફ હોય, પરંતુ બારી-બારણાં ખુલ્લા હોય તો મચ્છર-માખીઓ સરળતાથી પ્રવેશ કરી લે છે. બારીઓ અને વેન્ટિલેશન માટે યોગ્ય જાળી (Net) લગાવવી એ કીટકોને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જો દરવાજા કે બારીઓની આસપાસ જગ્યા હોય તો તેને પણ યોગ્ય રીતે સીલ કરો. ખાસ કરીને સંધ્યાકાળે દરવાજા ખુલ્લા રાખવાનું ટાળો, જેથી કેમિકલ કે અન્ય ઉપાયો વિના જ જીવજંતુઓનો પ્રવેશા અટકી જાય.
રસોડામાં ખોરાક ખુલ્લો રાખવાની ટેવ બદલો
માખીઓ અને કોકરોચ ખુલ્લા ખોરાક તેમજ કચરા તરફ ઝડપથી આકર્ષાય છે. તેથી કિચન કાઉન્ટર પર ખોરાક ખુલ્લો ન મૂકો અને રાંધેલા ખોરાકને હંમેશા ઢાંકીને રાખો. ભોજન બાદ ડાઇનિંગ ટેબલ કે કાઉન્ટર પર પડેલા ખોરાકના કણો તાત્કાલિક સાફ કરો. રસોડામાં ઢાંકણવાળા ડસ્ટબિનનો જ ઉપયોગ કરો અને કચરો રોજ ખાલી કરો. રાત્રે સિંકમાં એંઠા વાસણો ન છોડવાથી પણ જીવજંતુઓથી બચી શકાય છે.
ઘરના ભેજને નજરઅંદાજ ન કરો
ચોમાસામાં ઘરની અંદર ભેજનું પ્રમાણ વધવું સામાન્ય છે. બાથરૂમ, કિચન અને ઓછી હવા-ઉજાસવાળા ઓરડામાં ભેજ વધુ સમય જળવાઈ રહે છે. આ માટે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો અને યોગ્ય વેન્ટિલેશન રાખવું. વળી, ભીનું લાકડું ઊધઈ માટે અનુકૂળ હોવાથી લાકડાના ફર્નિચરને ભીની દીવાલોથી દૂર રાખો. ઊધઈથી રક્ષણ માટે લીમડાનું તેલ ઉપયોગી બને છે, પરંતુ જો સમસ્યા વધુ હોય તો પ્રોફેશનલ પેસ્ટ કંટ્રોલની મદદ લેવી હિતાવહ છે.
એસેન્શિયલ ઓઈલ અને કુદરતી ઉપાયો
મચ્છર અને માખીઓ દૂર કરવા લોકો લવિંગ, તજ, લીમડાનું તેલ કે સિટ્રોનેલા જેવા ઉપાયો અજમાવે છે. જોકે, સંશોધનો અનુસાર લવિંગ અને તજ અનાજને જીવાતથી બચાવવા પૂરતા જ મર્યાદિત છે અને તેનાથી મચ્છર ભાગી જવાનો કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવો નથી. બીજી તરફ, સિટ્રોનેલા, લેવેન્ડર, પેપરમિન્ટ અને લેમનગ્રાસ જેવા એસેન્શિયલ ઓઈલ મચ્છરોને દૂર રાખવામાં ચોક્કસપણે અસરકારક સાબિત થાય છે.
ચોમાસામાં મચ્છરોથી બચવા કોઈ એક ઉપાય પર નિર્ભર રહેવાને બદલે પાણી જમા ન થવા દેવું, જાળીનો ઉપયોગ કરવો, ખોરાક ઢાંકીને રાખવો અને ભેજ નિયંત્રિત રાખવા જેવી આદતો કેળવવી વધુ ફાયદાકારક છે.
આ પણ વાંચો :આજે છે ફ્રેન્ડશિપ ડે; જાણો ભારત અને વિશ્વમાં મિત્રતા દિવસની ઉજવણીનો ઇતિહાસ
આ પણ વાંચો :આજે છે ગર્લફ્રેન્ડ ડે, જાણો સંબંધોને વધુ મજબૂત બનાવવાની ખાસ રીતો અને ટિપ્સ
આ પણ વાંચો :ભારતમાં 78% યુગલો અપનાવી રહ્યા છે ‘સ્લીપ ડિવોર્સ’, જાણો શા માટે અલગ રૂમમાં સૂવાનું પસંદ કરે છે દંપતી!
