Lifestyle: શિયાળામાં રાત્રે અને ખાસ કરીને સવાર-સવારમાં મીઠી ઊંઘ આવતી હોય છે અને ઘણી વાર ઑફિસ જવાનું મોડું થતું હોય ત્યારે બ્રેકફાસ્ટ બનાવવાનો સમય પણ નથી રહેતો! આ ઉપરાંત, જ્યારે પણ ઘરે મહેમાન અચાનક આવી જાય ત્યારે નાસ્તામાં શું આપવું એની પણ મૂંઝવણ થતી હોય છે. તો આવા સમયે તમે બથુઆ પૂરી (Bathua Puri) બનાવીને રાખી શકો છો અથવા તો ગરમાગરમ બનાવીને ચા સાથે સર્વ કરી શકો છો. અહિં અમે લઇને આવ્યા છીએ બથુઆ પૂરીની હૅલ્ધી અને ટેસ્ટી રેસિપી (Healthy Recipe)…
ઠંડીમાં અનેક પ્રકારની શાકભાજી માર્કેટમાં મળે છે. એનો ઉપયોગ કરીને બનાવેલા આ મજેદાર નાસ્તાથી ક્ષુધાગ્નિ પણ સંતોષાશે અને સ્વાદ પણ!! આ પૂરીને તમે આખો દિવસ કે બીજા દિવસ સુધી સ્ટોર કરી રાખશો તો પણ એ ખરાબ નહિં થાય! તમે ફરવા જવાના હોય તો પણ એ તૈયાર કરીને સાથે લઇ જઇ શકો છો. બથુઆ અને બટાટાની આ કરારી પૂરી (Bathua Puri) બનાવવી સરળ છે.

બ્રેકફાસ્ટમાં ફ્રાઇડ વાનગી ખાવાની મજા
આમ જોઇએ તો હંમેશાં અને વિશેષ કરીને શિયાળામાં તો બ્રેકફાસ્ટ કરવો અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે, આ ઋતુમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, સવારમાં કકડીને ભૂખ લાગે છે! નવી ઊર્જા (Energy), હૂંફ અને પોષણ (Nutrition) મેળવવા માટે ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજનો તમામ લોકોના ઘરમાં બનતા જોવા મળે છે. ઠંડીની સિઝનમાં ગરમાગરમ ગોટા, સૂપ, કઢી, રોટલા, રીંગણનો ઓળો, પૂરી….વગેરે ડીશોની જ્યાફત ઉડાવવાનો આનંદ જ કંઇ ઓર હોય છે!
શિયાળા (Winter)માં ગરમાગરમ અને તળેલી વાનગીઓ (Fried Dishes) ખાવાની ઘણી જ મજા પડે છે! જો તમે નાસ્તામાં કશુંક ટેસ્ટી અને હૅલ્ધી ખાવા માગતા હો તો મેંદાના ઉપયોગ વિના પણ પૂરી બનાવી શકો છો. તમે ઘઉંનો લોટ લઇને એમાં બથુઆ અને બટાટા ઉમેરીને અત્યંત સ્વાદિષ્ટ પૂરીઓ (Bathua Puri) બનાવી શકો છો. આ પૂરીઓને તમે નાસ્તામાં કે ડિનર (Breakfast or Dinner)માં સર્વ કરી શકો છો અને એને ખાતાવેંત બધા જ તમારી પાક કળાના વખાણ કરશે! વિશેષ તો એ છે કે, બથુઆની પૂરીઓ (Bathua Puri) બનાવવી અત્યંત સરળ છે અને તમે ગણતરીની સામગ્રી વડે જ ટેસ્ટી નાસ્તો બનાવીને અગાઉથી તૈયાર કરીને રાખી શકો છો!

બથુઆ પૂરીની હૅલ્ધી રેસિપી (Bathua Puri Healthy Recipe)
મેંદાનો ઉપયોગ કર્યા વિના પણ સરસ પૂરીઓ બની શકે છે અને ઘણી કરારી (Crispy) તથા સ્વાદિષ્ટ પણ લાગે છે. આ માટે તમારે કેવળ જોઇશે ઘઉંનો લોટ, બટાટા, બથુઆ (Wheat Flour, Potatoes & Bathua) અને અન્ય થોડી સામગ્રી….તમે નાસ્તા માટે આ પૂરીઓને બનાવીને સ્ટોર (Store) પણ કરી શકો છો અને દિવસો સુધી ખાઇ શકો છો! તો ચાલો હવે ફટાફટ જોઇ લઇએ બટાટા અને બથુઆ પૂરી (Bathua Puri Recipe) બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…
શી રીતે બનાવશો બથુઆ બટાટાની પૂરી?
બથુઆ બટાટાની પૂરી (Bathua Puri) બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 મધ્યમ કદના બટાટા
1 નાની ઝૂડી બથુઆની ભાજી
2 કપ ઘઉંનો લોટ
સ્વાદાનુસાર મીઠું
1/2 ચમચી હળદર
2 ચમચી લાલ મરચું
1 ચમચી ગરમ મસાલા પાવડર
1/2 ચમચી અજમો
જરુર મુજબ પાણી
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ બથુઆની ભાજીને ચૂંટીને બે વાર સાફ પાણીમાં સારી રીતે ધોઇ લો.
2. હવે 2 મધ્યમ કદના બટાટાને ધોઇને બથુઆની સાથે કૂકરમાં બાફી લો. જો તમે ઇચ્છો તો બટાટાને છોલીને પણ બથુઆ સાથે બાફી શકો છો.
3. હવે પૂરી બનાવવા માટેનો લોટ બાંધી લો. આ માટે ઘઉંના લોટમાં સ્વાદાનુસાર મીઠું (Salt) અને હળદર ઉમેરો. હવે લાલ મરચું અને ગરમ મસાલો નાખીને પછી અજમાને હથેળીમાં મસળીને ઉમેરી દો. આ તમામ વસ્તુઓને ડ્રાય ફોર્મમાં જ મિક્સ કરવીય
4. હવે બાફેલા બટાટાને બથુઆને ઠંડા કર્યા પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અથવા તો પછી મૅશરની મદદથી સરસ રીતે છૂંદી લો.
5. હવે બાફેલા બટાટા અને બથુઆની પેસ્ટને લોટમાં મિક્સ કરીને એનો લોટ તૈયાર કરી લો. એમાં તેલનું કે ઘીનું મોણ ઉમેરવું એનાથી ક્રિસ્પી પૂરી બનશે.
6. હવે લોટને ઢાંકી દો અને એક તાવડીમાં પૂરીઓ તળવા માટે તેલ (Oil) ગરમ કરવા મૂકી દો.
7. પૂરીના લોટમાંથી નાના-નાના લુવા બનાવો અને એની પૂરીઓ વણી લેવી.
8. તેલ ગરમ થાય એટલે એક સાથે 4-5 પૂરીઓ તળવા મૂકવી. પ્રથમ ફાસ્ટ અને પછી ધીમાથી મધ્યમ તાપે પૂરીઓને તળવાથી એ મસ્ત કરારી અને ગોલ્ડન કલરની તળાઇને તૈયાર થઇ જશે!
9. તમે ચા, ચટણી (Tea, Chatney) અથવા કોઈ શાક કે રાયતા સાથે આ હૅલ્ધી અને ટેસ્ટી પૂરીઓ (Bathua Puri)ની મજા માણી શકો છો.
10. આ પૂરીઓ ખાવામાં ટેસ્ટી હોવા ઉપરાંત, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સૉફ્ટ બને છે તમે એને સ્ટોર કરીને એક-બે દિવસ સુધી ખાઇ શકો છો.
આ પણ વાંચો: શિયાળામાં સરસવ કે બથુઆ…કઇ ભાજી ઉત્તમ, હૅલ્થ માટે શું ખાવું બહેતર?
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
