Junagadh News: જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના (Maliya Hatina) શહેરમાં છેલ્લા પાંચ દિવસથી લોકોમાં ભયનું કારણ બનેલો દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. થોડા દિવસ પહેલાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. સતત પાંચ દિવસ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને સુરક્ષિત રીતે ઝડપી લેવામાં આવતા (Junagadh Leopard Captured) સ્થાનિકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
Junagadh Leopard Captured: એક વ્યક્તિ પર હુમલા બાદ વધી હતી દહેશત
પ્રાપ્ત માહિતી મુજબ, માળીયા હાટીનાના જૂના મામલતદાર કચેરી વિસ્તાર પાસે દીપડાની સતત અવરજવર જોવા મળી રહી હતી. પાંચ દિવસ પહેલાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ચાર પાંજરા ગોઠવી પાંચ દિવસ સુધી ચલાવાયું રેસ્ક્યુ ઓપરેશન

ઘટના બાદ વન વિભાગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચાર પાંજરા ગોઠવી દિવસ-રાત દેખરેખ રાખવામાં આવી હતી. વન વિભાગની ટીમે સતત મોનિટરિંગ અને ટ્રેકિંગ કરીને આખરે દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી.
સુરક્ષિત રીતે એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો દીપડો
પાંચ દિવસની ભારે જહેમત બાદ દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. બાદમાં વન વિભાગે દીપડાને સુરક્ષિત રીતે સીમાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો હતો, જ્યાં તેની જરૂરી તબીબી તપાસ અને દેખરેખ (Leopard Rescue) રાખવામાં આવશે.

વન વિભાગે લોકોને સાવચેત રહેવા કરી અપીલ
માળીયા હાટીનાના આરએફઓ પી. એમ. મકવાણાના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ખોરાકની શોધમાં દીપડા સહિતના વન્ય પ્રાણીઓ માનવ વસાહતો તરફ આવી જતા હોય છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે કોઈપણ વિસ્તારમાં વન્ય પ્રાણી દેખાય તો તેને ઉશ્કેરવાના બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.
પોલીસ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી સફળતા
આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માળીયા પોલીસ મથકના પીઆઈ મેહુલ ચૌધરી અને પોલીસ સ્ટાફે પણ વન વિભાગને (Forest Department) જરૂરી સહયોગ આપ્યો હતો. બંને વિભાગના સંયુક્ત પ્રયાસોથી કોઈ જાનહાનિ વિના દીપડાને સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો: સુરત : મહુવાના નિહાલી ગામે દીપડો પાંજરે પુરાયો
આ પણ વાંચો: નર્મદા વિસ્તારમાં બાળક ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો
આ પણ વાંચો: અમરેલીમાં ઘરમાં ઘૂસેલા દિપડાને ટ્રાન્કિવલાઈઝર ગનથી બેભાન કરી પાંજરે પુરાયો
