Gujarat News: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન બાદ હવે આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન તરીકે ગુજરાતની જવાબદારી ઔપચારિક રીતે શરૂ થઈ છે. ગ્લાસગોમાં યોજાયેલા ક્લોઝિંગ સમારોહ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સનો અધિકૃત ધ્વજ (CWG Flag Handover) આગામી યજમાન રાજ્ય ગુજરાતના (CWG 2030 Gujarat)પ્રતિનિધિ તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો હતો. આ સાથે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓને સત્તાવાર ગતિ મળી છે.
CWG Flag Handover: ‘ફિટ ઈન્ડિયા’ અભિયાનને મળશે વધુ વેગ

ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માત્ર એક આંતરરાષ્ટ્રીય રમતોત્સવ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઈન્ડિયા’ અભિયાનને (Fit India Campaign) વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર રમતગમતનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલાડીઓ માટેની સુવિધાઓ અને યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી પહેલો પર કામ કરી રહી છે.
ગ્લાસગોથી ગાંધીનગર સુધી ફ્લેગનું ગૌરવપૂર્ણ આગમન
ગ્લાસગોથી પરત ફર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સંપૂર્ણ ગૌરવ અને સન્માન સાથે વિધિવત અર્પણ કર્યો હતો. સમગ્ર મંત્રીમંડળે આ ઐતિહાસિક ક્ષણનું હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું હતું. હવે આ ધ્વજ 2030ની કોમનવેલ્થ ગેમ્સ સુધી ગુજરાતમાં રહેશે અને સમગ્ર રાજ્ય માટે રમતગમતના નવા યુગનું પ્રતીક બનશે.
ભારતે જીત્યા 39 મેડલ, ચોથું સ્થાન મેળવ્યું
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 39 મેડલ્સ જીત્યા હતા. તેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ સાથે ભારતે સમગ્ર સ્પર્ધામાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દેશનું ગૌરવ વધ્યું છે અને આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે આત્મવિશ્વાસ પણ મજબૂત બન્યો છે.
ભારતીય પેરા એથલિટ્સે રચ્યો નવો ઇતિહાસ
આ કોમનવેલ્થ ગેમ્સ ભારતીય પેરા એથલિટ્સ માટે ઐતિહાસિક બની રહી. ભારતના પેરા ખેલાડીઓએ 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા. આ સિદ્ધિ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પેરા એથ્લેટિક્સે પ્રથમ વખત ઐતિહાસિક સફળતા મેળવી અને લગભગ બે દાયકાથી પોડિયમ પર સ્થાન મેળવવાની આતુરતાનો અંત આવ્યો.
ગુજરાતના ખેલાડીઓ રહ્યા ખાસ આકર્ષણ
આ અવસરે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં (Glasgow CWG 2026) ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ગુજરાતના પેરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ પણ જોડાયા હતા. ગુજરાતના ખેલાડીઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.
રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત
કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ અર્પણ કાર્યક્રમ દરમિયાન મુખ્ય સચિવ એમ. કે. દાસ, અગ્ર સચિવ અશ્વિની કુમાર, એમ. થેન્નારસન તેમજ સચિવ રાહુલ ગુપ્તા સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે ગુજરાતને મળેલી આ ઐતિહાસિક તકને રાજ્ય માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
કેમ આપવામાં આવે છે આગામી યજમાનને CWG ફ્લેગ?
કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં વર્તમાન યજમાન દેશ દ્વારા આગામી યજમાનને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપવાની દાયકાઓ જૂની પરંપરા છે. આ ધ્વજ માત્ર એક ઔપચારિક પ્રતીક નથી, પરંતુ યજમાનીની જવાબદારી, વિશ્વાસ અને ગેમ્સના આયોજનના અધિકારનું સત્તાવાર હસ્તાંતરણ દર્શાવે છે. ધ્વજ પ્રાપ્ત થતાં જ આગામી યજમાન માટે તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ માનવામાં આવે છે.
CWG ફ્લેગનો સંદેશ શું છે?
કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ કોમનવેલ્થ દેશો વચ્ચે એકતા, મિત્રતા, શાંતિ, સમાનતા અને રમતગમતની ઉચ્ચ ભાવનાનું પ્રતીક છે. આ ધ્વજ વિશ્વબંધુત્વ, પરસ્પર સન્માન અને નિષ્પક્ષ રમતના મૂલ્યોને આગળ વધારે છે. ‘Sport Unites Us All’ના સંદેશ સાથે આ ધ્વજ સમગ્ર વિશ્વમાં રમત દ્વારા એકતા અને સહકારનો સંદેશ પહોંચાડે છે. આગામી 2030 સુધી ગુજરાતમાં રહેનારો આ ધ્વજ રાજ્યના ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને રમતગમતના નવા યુગની શરૂઆતનું પ્રતીક બનશે.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2030નું કાઉન્ટડાઉન શરૂ: અમદાવાદ બનશે વૈશ્વિક રમતગમતનું કેન્દ્ર, ‘ટીમ ગુજરાત’ તૈયાર
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો સુવર્ણ દિવસ, એક જ દિવસે 16 મેડલ જીતી રચ્યો ઇતિહાસ
