Ahmedabad News: શહેરના પોશ સેટેલાઇટ વિસ્તારમાં વહેલી સવારે વૃદ્ધ મહિલા સાથે ચેન સ્નેચિંગ (Ahmedabad Chain Snatching)ની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે મારુતિ વાનમાં બેઠેલી 76 વર્ષીય મહિલાના ગળામાંથી સોનાની ચેન અને પેન્ડલ આંચકી લીધા હતા. બંને દાગીનાની કુલ કિંમત આશરે ₹4.20 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Ahmedabad Chain Snatching: શ્વાનોને બિસ્કિટ ખવડાવતી વખતે બની ઘટના
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં 76 વર્ષીય મીતાબેન ઓઝા 6 સપ્ટેમ્બરની સવારે પોતાની મારુતિ વાન લઈને શેરીના શ્વાનોને ખવડાવવા માટે નીકળ્યાં હતાં. રણુજાનગર નજીક એક બંગલાની બહાર તેમણે પોતાની વાન ઊભી રાખી હતી. મીતાબેન વાનમાં બેસીને શ્વાનોને બોલાવી રહ્યાં હતાં.
આ દરમિયાન એક્ટિવા પર એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો. આરોપ છે કે એક્ટિવા સવાર શખ્સે તક જોઈને વાનની ડ્રાઇવર સાઇડની બારીમાંથી હાથ અંદર નાખ્યો અને મીતાબેનના ગળામાં પહેરેલી સોનાની ચેન (Ahmedabad Chain Snatching) તથા પેન્ડલ જોરથી ખેંચી લીધાં હતાં. દાગીના આંચકીને આરોપી તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
Ahmedabad Chain Snatching: વૃદ્ધાએ વાનથી લૂંટારાનો પીછો કર્યો
દાગીના આંચકી આરોપી ભાગવા લાગતાં મીતાબેને હિંમત બતાવી હતી. તેમણે પોતાની વાનમાં બેસીને એક્ટિવા સવારનો પીછો શરૂ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે, મીતાબેને સેટેલાઇટ ટાવરથી પ્રેમચંદ નગર રોડ સુધી આરોપીનો પીછો કર્યો હતો. જોકે, એક્ટિવા સવાર ઝડપથી વાહન હંકારીને આગળ નીકળી ગયો હતો અને આખરે વૃદ્ધ મહિલાની નજરથી દૂર થઈ ફરાર થવામાં સફળ રહ્યો હતો.
Ahmedabad Chain Snatching: પોલીસ તપાસમાં લાગી
ઘટના બાદ મીતાબેન ઓઝાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની ઓળખ મેળવવા માટે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આરોપી કયા માર્ગે ફરાર થયો અને તેની એક્ટિવાનો નંબર કે અન્ય કોઈ ઓળખ મળી શકે છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
પોશ વિસ્તારમાં વહેલી સવારે બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ઊભી કરી છે. ખાસ કરીને એકલા બહાર નીકળતા વૃદ્ધ નાગરિકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં પાન પાર્લર બન્યું તસ્કરોનું નિશાન! રૂ.48 હજાર રોકડ સાથે રૂ.26,400ની સિગારેટ ચોરી
આ પણ વાંચો:અમદાવાદમાં 7 લાખની કોપર ચોરીનો ભેદ ઉકેલાયો, AMCના નામે ફરતી ગેંગ ઝડપાઈ
આ પણ વાંચો:અમદાવાદમાં મહિલા પોલીસના ઘરે લાખોની ચોરી
