PM Modi BRICS Summit Update: BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક શાસન વ્યવસ્થામાં મોટા સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિતની વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો હવે ટાળી શકાય તેમ નથી. તેમણે BRICS દેશોને વધુ એકજૂથ બનીને વૈશ્વિક નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ મોદીની નજીક બેઠેલા જોવા મળ્યા હતા.
ગ્લોબલ સાઉથની ભૂમિકા વધારવાની જરૂર
PM મોદીએ (PM Narendra Modi) કહ્યું કે ગ્લોબલ સાઉથ આજે વિશ્વની અનેક મોટી સમસ્યાઓ અને સંકટોનો સામનો કરવામાં આગળની હરોળમાં છે, પરંતુ વૈશ્વિક નિર્ણયો લેવામાં તેની ભૂમિકા હજુ પણ મર્યાદિત છે. કેટલાક દેશો વૈશ્વિક નિર્ણયો લે છે અને તેના પરિણામોની અસર અન્ય દેશોએ ભોગવવી પડે છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર છે. મોદીએ વૈશ્વિક શાસન માટે 10 મુદ્દાનો રોડમેપ રજૂ કર્યો. તેમાં પ્રતિનિધિત્વ, જવાબદારીપૂર્વક પ્રતિસાદ આપવાની ક્ષમતા અને વૈશ્વિક નિયમો બનાવવામાં યોગ્ય ભાગીદારી જેવા મુદ્દાઓને મહત્વ આપવામાં આવ્યું.
20 વર્ષ બાદ BRICSની જવાબદારી વધી
વડાપ્રધાને (PM Narendra Modi) કહ્યું કે BRICSએ પોતાના અસ્તિત્વના 20 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે સંગઠન વધુ પરિપક્વ તબક્કામાં પ્રવેશી રહ્યું છે. 20 વર્ષની ઉંમર જીવનમાં નવી જવાબદારીઓ સાથે પરિપક્વતાનું પ્રતીક માનવામાં આવે છે. તેવી જ રીતે BRICSની જવાબદારી પણ હવે વધી છે અને સંગઠને સમજદારીપૂર્વક આગળ વધવું પડશે. મોદીએ સ્પષ્ટ કર્યું કે BRICSનો ઉદ્દેશ કોઈ એક દેશ કે જૂથની વિરુદ્ધ ઊભા થવાનો નથી. સંગઠનનો પ્રયાસ તમામ દેશોને સાથે લઈને વૈશ્વિક સહકારને મજબૂત કરવાનો હોવો જોઈએ.
શી જિનપિંગ સાથે મોદીની મહત્વની બેઠક
BRICS સમિટ દરમિયાન PM મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં ભારત-ચીન સંબંધો અને સરહદ પર શાંતિનો મુદ્દો મહત્વનો રહ્યો હતો. મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના મતભેદોને વિવાદમાં ફેરવવા જોઈએ નહીં. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સ્થિર અને સારા રાખવા માટે સરહદે શાંતિ અને સ્થિરતા અત્યંત જરૂરી છે. બંને દેશોએ એકબીજાના હિતો અને સંવેદનશીલતાઓનું સન્માન જાળવીને આગળ વધવું જોઈએ. આ બેઠક અને BRICS સમિટમાં મોદીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત એક તરફ પડોશી દેશો સાથે સ્થિર સંબંધો પર ભાર આપી રહ્યું છે, તો બીજી તરફ વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં ગ્લોબલ સાઉથની ભૂમિકા વધારવાની માંગ પણ મજબૂત કરી રહ્યું છે.
આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું
આ પણ વાંચો: 9/11 પહેલાં જ ભારત પર હુમલાનો વિચાર કરતો હતો ઓસામા બિન લાદેન? રિપોર્ટમાં થયો ખુલાસો
