New Delhi News/ UPI MDR પર સરકારનું વલણ કડક, ‘પુનર્વિચારનો સવાલ જ નથી

સરકારના જણાવ્યા મુજબ ₹2,000થી વધુની પસંદગીની વેપારી UPI ચુકવણીઓ પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (UPI MDR) લાગુ કરવાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે નહીં

Top Stories India
સરકારના જણાવ્યા મુજબ ₹2,000થી વધુની પસંદગીની વેપારી UPI ચુકવણીઓ પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (UPI MDR) લાગુ કરવાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે નહીં

New Delhi News : દેશમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બની ચૂકેલી UPI ચુકવણી (UPI Payment)ને લઈને કેન્દ્ર સરકારે પ્રસ્તાવિત MDR અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ ₹2,000થી વધુની પસંદગીની વેપારી UPI ચુકવણીઓ પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (UPI MDR) લાગુ કરવાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે નહીં. આ નિયમ 15 ઓક્ટોબર, 2026થી અમલમાં આવવાનો છે.

UPI MDR પર સરકારનું વલણ સ્પષ્ટ

સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય પાછો ખેંચવાનો હાલ કોઈ પ્રશ્ન નથી. આ મુદ્દે વેપારીઓ, વિપક્ષ અને ડિજિટલ પેમેન્ટ સાથે સંકળાયેલા સંગઠનો તરફથી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સરકારના નિર્ણયને લઈને સવાલો ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે UPI ફી અંગે સરકાર અમેરિકાના દબાણ હેઠળ નિર્ણય લઈ રહી છે. બીજી તરફ નાણા મંત્રાલયે આ દાવાને નકારી કાઢ્યો છે. સરકારનું કહેવું છે કે UPI અંગેના નિર્ણયો ભારતની નીતિ અને સસ્તી, ટકાઉ તથા સમાવેશી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા બનાવવાના હેતુથી લેવામાં આવી રહ્યા છે.

₹2,000થી વધુની ચુકવણી પર MDR

નવા માળખા હેઠળ ₹2,000થી વધુની પસંદગીની વ્યક્તિથી વેપારી એટલે કે P2M UPI ચુકવણી (UPI Payment)પર 0.4 ટકા MDR લાગુ થશે. જોકે ₹75,000 કે તેથી વધુની ચુકવણી માટે MDRની મહત્તમ રકમ ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન નક્કી કરવામાં આવી છે.

આ MDRમાંથી મળતી રકમ બેંક, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર અને UPI એપ સહિતના પેમેન્ટ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા ભાગીદારો વચ્ચે વહેંચાશે.

ગ્રાહકો પર સીધી અસર નહીં

સરકારના જણાવ્યા મુજબ MDR ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો સીધો ચાર્જ કે ટેક્સ નથી. વ્યક્તિથી વ્યક્તિ એટલે કે P2P UPI ચુકવણી અગાઉની જેમ મફત રહેશે.

તે ઉપરાંત ₹2,000 સુધીની વેપારી ચુકવણી પણ MDRથી મુક્ત રહેશે. એટલે સામાન્ય નાના મૂલ્યના UPI વ્યવહારો કરનારા ગ્રાહકો પર સીધી ફી લાગશે નહીં.

નાના વેપારીઓને પણ રાહત

સરકારે નાના વેપારીઓ માટે પણ ખાસ જોગવાઈ રાખી છે. UPI QR મારફતે દર મહિને ₹1 લાખ સુધીની ચુકવણી સ્વીકારતા નાના વેપારીઓ માટે શૂન્ય MDRની વ્યવસ્થા યથાવત રહેશે.

આ ઉપરાંત રેલવે, ટેલિકોમ, વીમા, ઈંધણ અને કૃષિ ઇનપુટ્સ જેવા કેટલાક જરૂરી ક્ષેત્રોમાં ₹2,000થી વધુની ચુકવણી પર 0.4 ટકાના બદલે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹5નો ફ્લેટ MDR લાગુ કરવાની જોગવાઈ છે.

સરકારના આંકડા પ્રમાણે લગભગ 96 ટકા વેપારી વ્યવહારો આ ફેરફારથી પ્રભાવિત નહીં થાય. જોકે મોટા મૂલ્યની પસંદગીની વેપારી ચુકવણી કરનારા વ્યવસાયો માટે MDR વ્યવસ્થામાં ફેરફાર જોવા મળશે.


આ પણ વાંચો : UPI Payment પર નવી ચર્ચા, જાણો કોના ખિસ્સા પર પડશે અસર?

આ પણ વાંચો : UPI પર હવે ચાર્જ લાગશે? સરકારે સ્પષ્ટ કર્યું સત્ય, જાણો નવા કાયદામાં શું બદલાશે?

આ પણ વાંચો : UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ પર અમેરિકાના દબાણમાં ભારત? GTRIએ સરકારને આપી કડક ચેતવણી