New Delhi News : દિલ્હીના IGI એરપોર્ટ પર શનિવારે સ્પાઇસજેટ (SpiceJet)ની અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી, જ્યારે કેટલીક ફ્લાઇટ્સ રદ (Flight Cancellation)કરવામાં આવી હતી. જેના કારણે એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી વધી હતી.
દિલ્હી એરપોર્ટ પર ઓપરેશનલ સમસ્યાથી ફ્લાઇટ્સ ખોરવાઈ
દિલ્હી એરપોર્ટે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માંગી હતી. એરપોર્ટના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો અને એરપોર્ટ તંત્ર સ્પાઇસજેટ સાથે મળીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
જોકે, ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવા પાછળ ચોક્કસ કઈ ઓપરેશનલ સમસ્યા હતી, તે અંગે સ્પાઇસજેટ તરફથી તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.
અગાઉ પણ ફ્લાઇટ વિલંબને લઈને મુસાફરો પરેશાન
છેલ્લા કેટલાક દિવસોમાં પણ સ્પાઇસજેટ (SpiceJet)ની ફ્લાઇટ્સમાં વિલંબના બનાવો સામે આવ્યા છે. 15 સપ્ટેમ્બરે દિલ્હીથી દુબઈ જતી બે ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી હતી. અહેવાલો અનુસાર, એક ફ્લાઇટ લગભગ 30 કલાક અને બીજી લગભગ 19 કલાકના વિલંબ બાદ રવાના થઈ હતી.
આ ઘટનાને લઈને આશરે 200 મુસાફરોએ એરપોર્ટ પર વિરોધ પણ કર્યો હતો. સતત વિલંબની ઘટનાઓ વચ્ચે એરલાઇનની ઓપરેશનલ ક્ષમતા અંગે ફરી સવાલો ઊભા થયા છે.
નાણાકીય પડકારો વચ્ચે સરકાર સાથે ચર્ચા
સ્પાઇસજેટ (SpiceJet)લાંબા સમયથી નાણાકીય (SpiceJet Financial Crisis)અને ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 3 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે સરકાર એરલાઇન સાથે તેની કામગીરી અને નાણાકીય સ્થિતિ અંગે સતત ચર્ચા કરી રહી છે.
મંત્રીના જણાવ્યા મુજબ, સ્પાઇસજેટને ફ્લાઇટ્સની સંખ્યા વધારવા માટે કહેવામાં આવ્યું છે. એરલાઇન દ્વારા પણ કામગીરીમાં સુધારો કરવાની ખાતરી આપવામાં આવી છે. સ્પાઇસજેટે સરકાર પાસેથી સીધી વધારાની નાણાકીય મદદ માગી નથી, પરંતુ ECLGS હેઠળ ભંડોળ ઊભું કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાવાયું હતું.
ATFના ભાવ, એરસ્પેસ બંધ રહેવા, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો અને વિમાનોના ઓછા ઉપયોગ જેવા પરિબળોએ એરલાઇન્સ પર નાણાકીય દબાણ વધાર્યું છે.
સમયસર ઉડાનમાં સ્પાઇસજેટનો રેકોર્ડ નબળો
સ્પાઇસજેટની ઓપરેશનલ સ્થિતિનો અંદાજ તેના સમયસર ઉડાનના આંકડાથી પણ મળે છે. જુલાઈમાં એરલાઇનની માત્ર 34.5 ટકા ફ્લાઇટ્સ નિર્ધારિત સમય મુજબ ઉડી હતી.
બીજી તરફ, જુલાઈમાં સ્પાઇસજેટનો સ્થાનિક બજાર હિસ્સો પણ ઘટ્યો હતો. જૂનમાં 1.9 ટકા રહેલો હિસ્સો જુલાઈમાં ઘટીને 1.6 ટકા થયો હતો. આ સમયગાળા દરમિયાન એરલાઇને આશરે 1.87 લાખ મુસાફરોને સેવા આપી હતી.
જુલાઈના સ્થાનિક ઉડ્ડયન બજારમાં ઇન્ડિગોનો હિસ્સો 67.4 ટકા, એર ઇન્ડિયા ગ્રુપનો 24 ટકા અને અકાસા એરનો 5.5 ટકા રહ્યો હતો. આ આંકડા વચ્ચે સ્પાઇસજેટ (SpiceJet)સામે ફ્લાઇટ ઓપરેશન સુધારવા અને મુસાફરોનો વિશ્વાસ જાળવી રાખવાનો પડકાર યથાવત છે.
