નવી દિલ્હી : આખરે બેન્કોની ત્રણ દિવસીય પ્રસ્તાવિત હડતાળ (Bank Strike) ટળી ગઈ! રવિવારના મોડી રાત્રે ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ (UFBU) વચ્ચે યોજાયેલી બેઠક બાદ હડતાળ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. સોમવારથી એટલે કે આજથી 3 દિવસો સુધી થનારી બેન્કોની હડતાળ ટળી ગઈ છે. રવિવારના મોડી રાત્રે ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ (UFBU) વચ્ચે યોજાયેલી બેઠક બાદ હડતાળ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. UFBU ના સર્ક્યુલર નંબર 2026/31 અનુસાર રવિવારે રાત્રે 09:30 વાગ્યે આઈબીએ અને યુએફબીયુ વચ્ચે બેઠક યોજાઈ હતી. વિચાર-વિમર્શ બાદ બંને પક્ષોમાં સંમતિ સધાયા બાદ હડતાળ પરત લેવામાં આવી છે.

બેઠકમાં આ પ્રમુખ મુદ્દાઓ પર સંમતિ સધાઇ
1. ફાઇવ ડે બેન્કિંગ (શનિવારની રજા) મુદ્દે ઉચ્ચસ્તરીય કમિટી
ફાઇવ ડે બેન્કિંગ (5 Day Banking, શનિવારની રજા) મુદ્દે ઉચ્ચસ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવશે. તમામ બાકીના શનિવારોએ અધિકૃત અવકાશ ઘોષિત કરવા અંગે વિચાર-વિમર્શ કરવા બાબત IBA અને UFBUની આ ઉચ્ચસ્તરીય કમિટીની રચના થશે. આ કમિટી તમામ પક્ષો અને ખાસ કરીને ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સર્વમાન્ય સમાધાનની ખોજ કરશે.
2. PLI સ્કીમમાં સંશોધન
સ્કેલ IV અને એથી ઉપરના અધિકારીઓ માટે પ્રદર્શન આધારિત પ્રોત્સાહન (Performance Linked Incentive – PLI) યોજનામાં યુનિયનોના વાંધાઓને દૂર કરવા માટેના સંશોધન પર ચર્ચા કરવામાં આવશે જેને આગળ સરકારને પ્રસાવિત કરવામાં આવશે.

આ અંગેનો વિસ્તૃત સરક્યુલર (Circular) પણ જલદી જ જારી કરવામાં આવશે.
બેન્ક કર્મચારીઓએ હડતાળનું એલાન કરેલું
અત્રે ઉલ્લેખનીય છે કે, બેન્ક કર્મચારીઓના યૂનિયન યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા 28 થી 30 સપ્ટેમ્બર 3 દિવસીય દેશવ્યાપી બેન્ક હડતાળ (Nationwide Bank Strike)નું આવાહન કરવામાં આવેલું. આ હડતાળ 26 અને 27 એટલે કે શનિવાર અને રવિવારની રજાઓ બાદ આજે સોમવારથી શરુ થવાની હતી. બેન્કોનું કામકાજ લગાતાર 5 દિવસ બંધ રહેવાનુ હતુ જેની ખરાબ અસરો સામાન્ય નાગરિકો અને ગ્રાહકો પર પડવાનું નિર્ધારિત હતું. બેન્કોમાં સતત 5 દિવસો સુધી કામ ઠપ્પ રહે એ મોટી સમસ્યા છે આથી જ રવિવારે બેન્કોને ખુલ્લી રાખવાની ઘોષણા કરવામાં આવેલી જેથી સામાન્ય લોકો બેન્ક સંબંધી પોતાનું જરુરી કામ પૂરું કરી શકે!
પરંતુ હવે હડતાળ મોકૂફ રહી હોવાથી ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આ હડતાળ નહિં થવાથી બેન્કોના કામકાજ ચાલુ રહેશે.
