Mehsana News: મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલમાં 27 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચિંતાજનક ઘટના બની હતી. આશરે 25 વર્ષનો યુવક બિલ્ડિંગના ચોથા માળે (Mehsana youth Rescue) પહોંચી ગયો હતો અને નીચે કૂદીને જીવન ટૂંકાવવાની વાત કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને યુવક સાથે શાંતિથી વાતચીત શરૂ કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી સમજાવટ અને પોલીસ-ફાયર વિભાગની સમયસર કામગીરી બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.
112ને મળી હતી ઘટનાની જાણ
મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 9:47 વાગ્યે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની નાગલપુર પોલીસ ચોકીની 112 પીસીઆર વાનને આ અંગે જાણ કરવામાં આવી હતી. મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉનના બ્લોક-Jના ચોથા માળે એક યુવક ચડી ગયો હોવાની માહિતી પોલીસને મળી હતી. યુવક નીચે કૂદવાની વાત કરી રહ્યો હોવાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
Mehsana youth Rescue: રેલિંગ પાસે બેઠેલા યુવકને જોવા લોકોનું ટોળું ઉમટ્યું
નાગલપુર પોલીસ ચોકીની 112 મોબાઇલ ટીમમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન, પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ સહિતના પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં યુવક ચોથા માળે જોખમી સ્થિતિમાં બેઠેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા લોકોને દૂર રાખવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
મહિલા પોલીસકર્મીએ શરૂ કર્યો સંવાદ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને યુવક સાથે શાંતિપૂર્વક વાતચીત શરૂ કરી હતી. યુવક વધુ ગભરાઈ ન જાય તે માટે તેઓએ તેની સાથે અંતર જાળવીને સતત સંવાદ ચાલુ રાખ્યો હતો. લગભગ એક કલાક સુધી થયેલી વાતચીત દરમિયાન યુવકે પોતાનું નામ જીગર ઠાકોર હોવાનું જણાવ્યું હતું. તે મૂળ મોડાસાનો હોવાનું અને હાલમાં દેદિયાસણ ખાતે રહેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
પરિવાર પણ ઘટનાસ્થળે પહોંચ્યો
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. દરમિયાન યુવકના માતા-પિતા પણ ત્યાં પહોંચી ગયા હતા. પરિવારજનોએ પણ યુવકને સમજાવીને નીચે આવવા વિનંતી કરી હતી. લાંબી સમજાવટ બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે યોગ્ય તક મળતાં યુવકને સુરક્ષિત રીતે નીચે (Mehsana youth Rescue) ઉતારી લીધો હતો.
પોલીસ સ્ટેશન લઈ જઈ કાઉન્સેલિંગ કરાયું
યુવકને સલામત રીતે નીચે ઉતાર્યા બાદ તેને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને ચા-નાસ્તો કરાવી શાંત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા યુવકનું તેના માતા-પિતાની હાજરીમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેને સહીસલામત રીતે પરિવારને સોંપવામાં આવ્યો હતો.
અંગત કારણોસર તણાવમાં હોવાનું પોલીસનું કહેવું
બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ગઢવીએ જણાવ્યું હતું કે યુવક અંગત કારણોસર માનસિક તણાવમાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસ ટીમે લગભગ એક કલાક સુધી યુવક સાથે વાતચીત કરીને તેને શાંત રાખ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે સમયસર કાર્યવાહી કરતાં યુવકને સુરક્ષિત રીતે નીચે (Mehsana youth Rescue) ઉતારી લેવામાં આવ્યો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો: મહેસાણાની મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં BSC નર્સિંગની વિદ્યાર્થિનીનો આપઘાત
આ પણ વાંચો: મહેસાણામાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનો આપઘાત
