Amreli News: અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં એક જ દિવસમાં પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણનું રેસ્ક્યૂ બાદ મોત (Amreli Lioness Death) થયું છે. અરજણસુખ અને તોરી ગામની સીમમાં હુમલા કર્યા બાદ વનવિભાગે આશરે 12 કલાકની જહેમત બાદ સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરી હતી. ત્યારબાદ તેને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. અહીં તેની તબિયત બગડતાં મોત થયું છે.
સિંહણમાં હડકવા જેવા પ્રાથમિક લક્ષણો (Lioness Rabies) જોવા મળ્યા હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. જોકે, સિંહણના મોતનું ચોક્કસ કારણ અને તેને હડકવા હતો કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ બાદ જ થઈ શકશે.
Amreli Lioness Death: એક જ દિવસમાં પાંચ લોકો પર હુમલો
1 ઓક્ટોબરની મોડી રાત્રે તોરી ગામના મેહુલ વાજા અને ભગીરથ બસિયા પાંચમના પ્રસંગ બાદ બાઇક પર પરત ફરી રહ્યા હતા. અરજણસુખ પાટિયા નજીક અચાનક સિંહણ તેમની તરફ ધસી આવી હતી. હુમલાને કારણે બંને બાઇક પરથી નીચે પડી (Vadia Lion Attack) ગયા હતા અને તેમને હાથ-પગના ભાગે ઈજા થઈ હતી.
આ ઘટનાના થોડા સમય બાદ સીમ વિસ્તારમાં કપાસના ખેતરમાં કામ કરતા વાડીમાલિક અતુલભાઈ સહિત અન્ય બે લોકો પર પણ સિંહણે હુમલો કર્યો હતો. એક જ દિવસમાં હુમલાની ઘટનાઓ વધતાં વનવિભાગની ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી.
રેસ્ક્યૂ દરમિયાન વનકર્મી પર પણ હુમલો
સિંહણને શોધવા અને તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે વનવિભાગની છથી સાત ટીમો સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી. રેસ્ક્યૂ દરમિયાન સિંહણે વનકર્મી અનિરુદ્ધ વાળા પર પણ હુમલો કર્યો હતો.
વનકર્મી અનિરુદ્ધ વાળાના જણાવ્યા મુજબ, સિંહણનો પીછો કરતી વખતે તેણે તેમના હાથ તરફ મોઢું માર્યું હતું. ત્યારબાદ સ્ટાફે લાકડીનો ઉપયોગ કરતાં સિંહણ ત્યાંથી દૂર ચાલી (Amreli Lioness Death) ગઈ હતી.હુમલામાં ઘાયલ થયેલા પાંચેય લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
12 કલાકની જહેમત બાદ સિંહણ પાંજરે પુરાઈ
સિંહણને પકડવા માટે વનવિભાગે (Forest Department) લાંબું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે 12 કલાકની કામગીરી બાદ બપોરે 1 વાગ્યાની આસપાસ સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પાંજરામાં સુરક્ષિત રીતે ખસેડીને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવી હતી.
સેન્ટર ખાતે સિંહણની તબિયત અને વર્તણૂક પર સતત નજર રાખવામાં આવી રહી હતી. પ્રાણી તબીબો દ્વારા જરૂરી તપાસ અને સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
આંચકી આવ્યા બાદ તબિયત વધુ લથડી
પાંજરામાં રાખવામાં આવેલી સિંહણની સ્થિતિ દરમિયાન અચાનક આંચકી આવતાં તેની તબિયત ગંભીર બની હતી. સારવાર અને દેખરેખ વચ્ચે થોડા જ સમયમાં તેનું મોત થયું હતું.શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન અને એસી.એફ. રાજન જાદવે સિંહણમાં હડકવા જેવા પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવ્યું છે. જોકે, સત્તાવાર કારણ અંગે હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ આપવામાં આવ્યો નથી.
સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરી તપાસ બાદ જ હડકવા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.
અગાઉ પણ હડકવાના કેસ સામે આવ્યા
અમરેલી જિલ્લામાં અગાઉ પણ અસામાન્ય વર્તણૂક અને માનવો પર હુમલા સાથે જોડાયેલા સિંહણોના મોતના કિસ્સા સામે (Lion Rabies Gujarat) આવ્યા હોવાનું વનવિભાગે જણાવ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં રાજુલાના ધારેશ્વર, જાફરાબાદના મીતિયાળા અને બાબરકોટ સહિતના વિસ્તારોમાં ચાર સિંહણના મોત થયા હતા અને તેમાં હડકવાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવાયું છે.
હવે વડિયા તાલુકાની આ ઘટનામાં પણ હડકવાની આશંકા વ્યક્ત થતાં વનવિભાગની ચિંતા વધી છે. સિંહ જેવા વન્યજીવોમાં હડકવા અંગેના કેસોની તપાસ, સેમ્પલ પરીક્ષણ અને આગળની તકેદારીને લઈને તંત્ર દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમરેલીમાં સિંહણનો આતંક! 5 લોકો પર હુમલો, રેસ્ક્યૂ કરવા ગયેલા ગાર્ડને પણ છોડ્યો નહીં
આ પણ વાંચો: અમરેલીમાં સિંહણનો હુમલો, ખેત મજૂર ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: અમરેલીમાં સિંહણનો વન વિભાગના ટ્રેકર પર હુમલો, સાથીદારોએ પંજામાંથી છોડાવ્યો
