Mahabharata War: મહાભારત (Mahabharata)ની કેટલીયે રોચક કહાણીઓ છે જેમાં યુદ્ધ, રાજનીતિ, સંબંધો, પ્રતિજ્ઞાઓ, પ્રેમ અને ત્યાગ ઉપરાંત મહત્વાકાંક્ષા જેવા કેટલાયે રંગ છે! વાસ્તવમાં મહાભારતની ચર્ચા થાય ત્યારે દ્રૌપદી (Draupadi)નું અપમાન, હસ્તિનાપુર (Hastinapur) સિંહાસનનો વિવાદ અને દુર્યોધન (Duryodhan)ના અહંકારને મુખ્ય કારણો માનવામાં આવે છે. પણ તમે શું જાણો છો કે, મહાભારતના મૂળ તો એથી પણ આગળની ઘટનાઓમાં રહેલા છે?
પૌરાણિક કથાઓમાં મહાભારતના યુદ્ધની પાછળ અનેક કારણો દર્શાવાયા છે. જેમાની એક કથા એવી છે જે રાજા શાન્તનુ, માતા ગંગા અને માતા સત્યવતી (Shantnu,Ganga, Satyavati) સાથે સંકળાયેલી છે. આખરે માતા સત્યવતીનો મહાભારત (Mahabharata)ના યુદ્ધ સાથે શો સંબંધ હતો? શી રીતે એક જ પ્રતિજ્ઞાએ હસ્તિનાપુરનું ભવિષ્ય બદલી નાખ્યું? આની પાછળની રોચક કહાણી જાણીએ…
રાજા મહાભિષેકની કથા
પૌરાણિક માન્યતાનુસાર,મહાભારતની કથાની એક મહત્વપૂર્ણ કડી રાજા મહાભિષેક (King Mahabhishek) સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે, મહાભિષેક એક ધર્માત્મા અને તપસ્વી રાજા હતા. એક વાર એમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ એમને બ્રહ્મલોકનું આમંત્રણ આપ્યું. એ સભામાં દેવી ગંગા પણ ઉપસ્થિત હતી. હવાથી એનો પાલવ સરકી ગયો અને અન્ય તમામ દેવતાઓએ એમની નજર ઝુકાવી લીધી. પણ મહાભિષેક અપલક ગંગાને જોતા રહ્યાં.
આથી ક્રોધિત થઈને બ્રહ્માજી (Lord Brahma)એ એમને મનુષ્યયોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો, આમ બંને પાત્રો મનુષ્ય બનીને ધરતી પર અવતર્યા.

શાન્તનુ, ગંગા અને સત્યવતીની કથા (Shantnu, Ganga & Satyavati Katha)
મહાભિષેક રાજા શાન્તનુ તરીકે જન્મ્યા અને હસ્તિનાપુરના રાજા બન્યા. એક વાર શિકાર કરવા દરમિયાન, મનુષ્ય રુપે વિચરતી દેવી ગંગા પર તે મોહિત થઈ ગયા અને એની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
દેવી ગંગાએ એમને પોતાને કોઈ જ સવાલ નહિં પૂછવાની શરતે બાંધીને પછી લગ્ન કર્યા. ત્યાર બાદ એક પછી એક એમ સાત સંતાનોને જન્મ આપ્યા બાદ ગંગાએ નદીમાં વહાવી દીધા. આનાથી શાન્તનુ દુ:ખી થયા.આઠમા પુત્રને પાણીમાં વહાવવા જતી ગંગાને શાન્તનુએ રોકી દીધી અને શરત તૂટી જવાથી ગંગા પુત્રને સાથે લઈને ચાલી ગઈ. એ પુત્ર દેવવ્રત ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયો. ગંગાએ એને યુદ્ધ, રાજનીતિ, ધર્મ અને શાસ્ત્રનું શિક્ષણ આપીને યુવાવયે શાન્તનુને સોંપી દીધો.

પરંતુ શાન્તનુ તો એક મત્સ્યરાજની પુત્રી સત્યવતી પર મોહિત બની ગયા હતા અને એની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી ચૂક્યા હતા. પરંતુ સત્યવતીના પિતાએ એમની પુત્રીથી ઉત્પન્ન થનારા પુત્રો જ હસ્તિનાપુરના ઉત્તરાધિકારી બને એવી શરત મૂકી. આમાં સત્યવતીએ સમર્થન આપ્યું. યુવરાજ દેવવ્રતને આની જાણ થતા એણે પિતા ખાતર આજીવન બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને પછી તો મહાભારતના પાયા નંખાયા! ત્યાર બાદ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાયા.

કૌરવો અને પાંડવોના જન્મની પૃષ્ઠભૂમિ
આ પછી સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના બે પુત્રો થયા પરંતુ ચિત્રાંગદનું યુદ્ધમાં મૃત્યુ થવાથી વિચિત્રવીર્ય રાજા બન્યા. એમના વિવાહ અંબિકા અને અંબાલિકા સાથે થયા પણ સંતાન ન થયા!
આથી સત્યવતીએ લગ્ન પહેલા પરાશર ઋષિથી એની કૂખે જન્મેલા પુત્ર વેદવ્યાસને બોલાવ્યા અને નિયોગ પરંપરા દ્વારા અંબિકાને ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાને પાંડુ પુત્ર તરીકે પ્રાપ્ત થયા. અન્ય એક દાસીથી વિદુરનો જન્મ થયો. અહિંથી જ મહાભારતની કથાએ વેગ પકડ્યો જે કથા સર્વવિદિત છે.
હસ્તિનાપુરના સિંહાસન માટે ધૃતરાષ્ટ્ર પુત્રો ‘કૌરવો’ અને પાંડુ પુત્રો ‘પાંડવો’ વચ્ચે વિવાદ વધતો ગયો. અને આ પ્રતિસ્પર્ધા આગળ જતાં કુરુક્ષેત્રના યુદ્ધમાં પરિણમી! કથાની આટલી મોટી પશ્ચાદભૂમિકા હોવાથી આને કેવળ કૌરવ-પાંડવ વચ્ચેનું જ યુદ્ધ ગણવું ભૂલ ભરેલું છે.

શું સત્યવતી હતી મહાભારતના યુદ્ધનું કારણ? (Was Satyavati the cause of the Mahabharata war?)
સત્યવતીને સીધી જ મહાભારતના યુદ્ધનું કારણ ગણવી યોગ્ય નથી. પણ મહાભારતની વંશાવલી અને ઘટનાક્રમમાં એની ભૂમિકા અત્યંત મહત્વુપૂર્ણ હતી. શાન્તનુ સાથે એનો વિવાહ, દેવવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા, પોતાના પુત્રોને ઉત્તરાધિકારી બનાવવા, કૌરવ-પાંડવના જન્મ આ તમામ ઘટનાઓએ આ રાજવંશની દિશા નિર્ધારિત કરી હતી. આમ જોઇએ તો મહાભારતની કથા ઘણી જ પહેલા પ્રારંભ થઈ ચૂકી હતી.
આ કેવળ દુર્યોધનની લાલચ કે દ્રૌપદીના અપમાનની કથા નથી પરંતુ એમાં આગળની પેઢીઓથી ચાલ્યા આવતા નિર્ણયો, પ્રતિજ્ઞાઓ, પારિવારિક મોહ, સત્તાના સંઘર્ષ અને ઉત્તરાધિકારના વિવાદો પણ જોડાયેલા હતા.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?
આ પણ વાંચો: કર્ણના ‘કુંવારી ભૂમિ’ પર અંતિમસંસ્કાર, 3 પાનવાળું રહસ્યમય વટવૃક્ષ…મહાભારતયુગથી આજ સુધી છે જીવિત…!
આ પણ વાંચો: જાણો મહાભારતની રોચક ગાથા….રહસ્યમયી પાત્રો…18 ના અંકનું વિશેષ મહત્વ…..!
