Surendranagar News/ સુરેન્દ્રનગર: લખતરના 33 ગામોના ખેડૂતો નર્મદાના પાણી માટે મેદાને, ધારાસભ્ય પીકે પરમારને કરી રજૂઆત

નર્મદા કેનાલ અને સિંચાઈના પાણી અંગે ખેડૂતોએ MLA પીકે પરમારને કરી રજૂઆત

Gujarat Others Breaking News
MLA

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સિંચાઈના પાણી અને નર્મદા કેનાલની સમસ્યાઓને લઈને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. લખતર તાલુકાના 33 ગામોના ખેડૂતો લખતર સર્કિટ હાઉસ ખાતે એકત્ર થયા હતા. અહીં તેમણે સ્થાનિક ધારાસભ્ય પીકે પરમાર સમક્ષ નર્મદા યોજનાને લગતી વિવિધ મુશ્કેલીઓ રજૂ કરી હતી.

ખેડૂતોના જણાવ્યા મુજબ, કેનાલની યોગ્ય જાળવણીના અભાવ અને કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી ન પહોંચવાને કારણે ખેતીના કામમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

MLAને ખેડૂતોની રજૂઆત

ખેડૂતોએ (Narmada Canal)નર્મદા કેનાલોની સાફ-સફાઈ સમયસર ન થતી હોવા અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત કેનાલમાં લીકેજ, પાણી ઓવરટોપિંગ થવું અને આસપાસનાં ખેતરોમાં ભેજ ફેલાવા જેવી સમસ્યાઓ તરફ પણ ધારાસભ્યનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

ખેડૂતોનું કહેવું છે કે કેનાલોની યોગ્ય મરામત અને જાળવણી ન થવાથી ખેતરોને નુકસાન થવાની ચિંતા વધી રહી છે. આ સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવામાં આવે અને કેનાલ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

વડલા, સાકર અને અણીયારી સહિતનાં ગામોમાં પાણીની સમસ્યા

રજૂઆત દરમિયાન વડલા(Vadla), સાકર, અણીયારી, તલસાણા અને તાવી સહિતનાં ગામોમાં નર્મદા કેનાલના છેવાડાના વિસ્તારો સુધી પૂરતું પાણી ન પહોંચતું હોવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, સિંચાઈ માટે જરૂરી પાણી ઉપલબ્ધ ન થવાથી ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને કેનાલના અંતિમ છેડા સુધી પાણીનું યોગ્ય વિતરણ થાય અને તમામ સંબંધિત ગામોના ખેડૂતોને સમયસર સિંચાઈની સુવિધા મળે તે માટે જરૂરી પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.

ધારાસભ્ય પીકે પરમારે નિરાકરણ માટે પ્રયાસોની ખાતરી આપી

ખેડૂતોની રજૂઆતો સાંભળ્યા બાદ ધારાસભ્ય પીકે પરમારે (MLA PK Parmar)આ પ્રશ્નો સંબંધિત નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. તેમણે ખેડૂતો(Farmer)ની સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

હવે ખેડૂતોની મુખ્ય અપેક્ષા કેનાલની સફાઈ, લીકેજ અને પાણી વિતરણની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવે તેની છે. સંબંધિત વિભાગ દ્વારા આ મુદ્દે કેવાં પગલાં લેવામાં આવે છે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ક્યારે ઉપલબ્ધ થાય છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:TAT-HS Mainsના પરિણામ અને ભરતીની સ્પષ્ટતા માટે મનીષ દોષીની રજૂઆત

આ પણ વાંચો:વડોદરામાં રેલવે સુવિધા વધારવાની માગ, ડભોઈમાં અંડરપાસ અને નવી ટ્રેન માટે રજૂઆત

આ પણ વાંચો:રસ્તાની વચ્ચે ઝાડ કે અકસ્માતને આમંત્રણ? રામોલમાં તંત્રને જગાડવા સ્થાનિકોની રજૂઆત