Mehsana Election Violence: મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો પહેલા જ શહેરમાં રક્તરંજિત ખેલ ખેલાયો છે. વોર્ડ નંબર 4 માં પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો અને હિંસક અથડામણમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર મહેસાણામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Mehsana : તાવડિયા રોડ પર રાત્રિના સમયે હુમલો
મળતી માહિતી મુજબ, માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જઈ રહેલા માર્ગ પર મિતેન ચૌધરી અને ધીમંત ચૌધરી પોતાની ગાડીમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક 4 થી 5 શખ્સોએ તેમની ગાડી આંતરી હતી. હુમલાખોરોએ લાકડી, પાઇપ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે બંને યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે બંને યુવકો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફંગોળાયા હતા.
ભાજપ ઉમેદવારના ભાણાનું મોત
ગંભીર રીતે ઘાયલ થયેલા મિતેન ચૌધરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું ટૂંકી સ્પર્ધામાં મોત નીપજ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, મૃતક મિતેન ચૌધરી વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવારનો સગો ભાણો હતો. બીજી તરફ, આ સંઘર્ષમાં કોંગ્રેસના ઉમેદવારના પતિ પણ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અન્ય ઈજાગ્રસ્ત ધીમંત ચૌધરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસનો કાફલો ખડકી દેવાયો
ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસ અને એલ.સી.બી (LCB)નો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ તપાસના ભાગરૂપે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, સાથે જ શંકાસ્પદ લોકોના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ (CDR) ના આધારે પણ ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. વધુમાં, આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સ્થિતિ વધુ ન વણસે તે માટે તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.
